ગોધરામાં ઈવેકયુ સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં આરોપીના જામીન નામંજુર

ગોધરામાં ડેપ્યુટી કસ્ટોડિયન ઓફ ઈવેકયુ પ્રોપર્ટી હસ્તકની કિંમતી સરકારી જમીન બોગસ હુકમ અને ભળતા નામનો ઉપયોગ કરી પચાવી પાડવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લાની મુખ્સ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

ગોધરાના રેવન્યુ સર્વે નં.-૮૮/૪, ૮૯/૧, ૯૩/૧, તથા ૯૩/૩ વાળી જમીનમાં મુળ ખાતેદાર ફાતમાં પાકિસ્તાન ચાલ્યા ગયા હોવાથી સરકારે તા.૨૬/૦૫/૧૯૯૬ ના રોજ હકક નોંધ નં.-૭૦૬૧ થી આ મિલ્કત ડેપ્યુટી કસ્ટોડિયન ઓફ ઈવેકયુ પ્રોપર્ટી તરીકે દાખલ કરી હતી. આશરે ૪૭ વર્ષ બાદ આ કિંમતી સરકારી જમીન ૫ચાવી પાડવા માટે આરોપીઓએ સમાન નામ ધરાવતી ફાતમાં (મોહંમદ ચુંચલાની પુત્રી અને મોહંમદ યુસુફ બોકડાની પત્નિ)ને પાકિસ્તાન ગયેલ ફાતમા તરીકે દર્શાવી ગોધરા નાયબ કલેકટરનો બોગસ હુકમ ઉભો કર્યો હતો. મુળ મહિલાનુ અવસાન થઈ ચુકયુ હોવા છતાં તેમના નામે મામલતદાર કચેરીમાં અરજી કરી નોંધ પડાવી લીધી હતી. ત્યારબાદ વારસદારો તરીકે ખાલીદ હુસૈન બોડા અને ઐયુબ બોડાએ પેઢીનામામાં ખોટા નામ દર્શાવી વારસાઇ નોંંધથી પોતાના નામો દાખલ કરાવી લધા હતા. આ સમગ્ર કોેભાંડ પ્રકાશમાં આવતા આરોપીઓ ખાલીદ હુસેન બોકડા, ઐયુબ મોહંમદ યુસુફ બોકડા, ફૈઝાન યાકુબ મદારા અને મોહસીન જિયાદ્દીન ટપલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ધરપકડ બાદ જયુડિશીયલ કસ્ટડી હેઠળ રહેલા આરોપી પૈકી ઐયુબ બોકડાએ પંચમહાલ મુખ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ કેસ મુખ્ય સેશન્સ જજ એન.સી.રાવલની અદાલતમાં સુનાવણી પર આવતા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા રજુ કરવામાં આવેલ દલીલો અને પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરી હતી.