ધનસરની પંચાયતના વાંટ ગામના આંટા ફળિયાની ગ્રામ પંચાયતની ગામતળની જાહેર જમીનો પર થયેલા કથિત ગેરકાયદે દબાણોનો મુદ્દો ચુંટણીની બેઠકો જાહેર થતાં જ ફરી ચર્ચામાં આવ્યો છે. માજી સરપંચ સહિત ગ્રામજનોએ હાલોલ તાલુકા પંચાયત ખાતે પહોંચી ટીડીઓ, તલાટી સમક્ષ લેખિત રજુઆત કરી દબાણો દુર કરવાની માંગ ઉઠાવી છે.
જેમાં અનેક જગ્યાએ કાચા-પાકા બાંધકામો તેમજ ઉકરડાઓ કરી દેવાયા છે. જેથી પ્રા.શાળા, આંગણવાડી, ધાર્મિક સ્થળો, અને માતાના માગલુજ ખાતે જવાનો રસ્તો બંધ જેવો થઈ ગયો છે. એટલુ જ નહિ, ઐતિહાસિક વાવની આસપાસ પણ ગંદકી અને ઉકરડાના ઢગલા કર્યા છે. આંટા ફળિયાના મુખ્ય માર્ગની બાજુમાં થયેલ દબાણોને લીધે બાસ્કાથી રામેશરા તરફ જતા વાહનચાલકોને સામેથી આવતા વાહનો દેખાતા નથી. જેથી અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. આ મામલે પંચાયતના ડે.સરપંચના બાંધકામ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. અગાઉ તા.૯ નવેમ્બર-૨૦૨૫ના રોજ પણ અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. હવે ટીડીઓ દ્વારા સરકારી જમીનની માપણી કરાવીને દબાણો દુર કરાય છે કે કેમ તેના પર સોૈની નજર મંડાયેલી છે.