સંજેલીના કરંબા ગામે બે જૂથ વચ્ચે ઝગડામાં બંધક બનાવેલા યુવકને છોડાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારામાં ૩૫ વ્યકિતઓને ઝડપ્યા

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. જૂના અકસ્માતના વિવાદમાં એક વ્યક્તિને બાંધીને રાખવામાં આવતાં તેને છોડાવવા પહોંચેલી 112 ઇમરજન્સી પોલીસની ટીમ સાથે ટોળાએ માથાકૂટ કરી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ કાફલા પર પથ્થરમારો કરતાં પોલીસનાં બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની ગંભીરતાને પગલે ASP અને DYSP સહિતનો મોટો પોલીસ કાફલો ગામમાં દોડી ગયો હતો. પોલીસે 17થી 18 મહિલા અને 17થી 18 પુરુષો સહિત 35થી વધુ લોકોને રાઉન્ડઅપ કર્યા છે.

જૂના અકસ્માતમાં યુવકના મોત બાદ અદાવત ચાલી રહી હતી પોલીસના જણાવ્યા અનુસાર, આશરે ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ઈશ્ર્વર કીડીયાના પુત્રનું મોત થયું હતું. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનો અને શૈલેષ ચારેલના પરિવાર વચ્ચે અદાવત ચાલી રહી હતી. શૈલેષ અકસ્માત સમયે ઇકો કારમાં મૃતક યુવકને સારવાર માટે લઈ ગયો હોવાની બાબતને લઈને સામા પક્ષે તેની સામે અદાવત રાખી હતી. આ જૂના વિવાદનું સમાધાન નહીં આવતાં ફરીથી બંને પક્ષો વચ્ચે તણાવ ઊભો થયો હતો.

કાળુ વારસિંગ ચારેલને બાંધી રાખતાં ૧૧૨ને જાણ કરાઈ આ વિવાદ દરમિયાન શૈલેષના પિતા કાળુ વારસિંગ ચારેલને કેટલાક લોકોએ બાંધીને રાખ્યા હોવાની જાણ પરિવારજનોને થઈ હતી. આથી પરિવારજનોએ ૧૧૨ ઇમરજન્સી સેવાને ફોન કરીને મદદ માગી હતી. જાણ થતાં લીમડી પોલીસ સ્ટેશનમાં ૧૧૨ની ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ગરાડીયા ગામે પહોંચ્યા હતા. ત્યાં કાળુ વારસિંગ ચારેલને કેટલાક લોકોએ બાંધી રાખ્યા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસને ગામમાં પ્રવેશવા નહીં દેતાં પથ્થરમારો કાળુ વારસિંગ ચારેલને છોડાવવા પોલીસ આગળ વધતાં સુલતાન રાજસિંહ, કમલેશ બચુ, છગન કીડીયા, મગન કીડીયા, ગુલાબ કીડીયા, કનુ કીડીયા, શાંતુ પુંજા, ઈશ્ર્વર કીડીયા, અજય છગન સહિતના શખ્સો અને મહિલાઓએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. અગાઉના અકસ્માતના કેસમાં સમાધાન થયું નથી ત્યાં સુધી પોલીસ અહીં ન આવે તેવી વાત કરી ટોળાએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ૧૧૨ની સરકારી ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો ઘટનાની જાણ થતાં લીમડી પોલીસ સ્ટેશનના PSI વી.જી. ગોહિલ અને PI વસંત પટેલ સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઝાલોદના DYSP ડી.આર. પટેલ પણ પોલીસ ડિવિઝનની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત LCB, SOG, સંજેલી, ઝાલોદ, લીમડી અને સુખસર પોલીસ મથકનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

35થી વધુ મહિલા-પુરુષોને રાઉન્ડઅપ કરાયા DYSP ડી.આર. પટેલે જણાવ્યું હતું કે, પોલીસે ઘટનાસ્થળેથી 17થી 18 જેટલા મહિલા અને 17થી 18 જેટલા પુરુષો મળી કુલ 35થી વધુ લોકોને હસ્તગત કર્યા છે. આ ઉપરાંત ગામ અને આસપાસના વિસ્તારમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે. કાળુ વારસિંગ ચારેલની ફરિયાદ, ખંડણી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ હોવાનું DYSPએ જણાવ્યું હતું.

પોલીસનાં બે વાહનો અને સરપંચના વાહનને નુકસાન, કર્મચારીઓને ઈજા નહીં પથ્થરમારામાં પોલીસનાં બે સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું છે. જેમાં ૧૧૨ની ગાડીનો કાચ તૂટ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ કર્મચારીને ઈજા થઈ નથી. આ ઉપરાંત ઘટનાસ્થળે પહોંચેલા કરંબા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના વાહનને પણ નુકસનાન થયું છે. હાલ પોલીસ દ્વારા બનાવમાં સંડોવાયેલા લોકોની પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.