શહેરા-લુણાવાડા હાઇવે પર આઇસર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત: ૫૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ

શહેરા-લુણાવાડા હાઇવે પર શુક્રવારની રાત્રે વાંટાવછોડા પાસે આઇસર ગાડી અને સુરત-સંતરામપુર બસ વચ્ચે અકસ્માત સર્જાતા આઇસર પલટી મારી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બસમાં સવાર ૫૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થતા મોટી હોનારત ટળી હતી.

શહેરા-લુણાવાડા હાઇવે પર વાંટાવછોડા પાસે આઇસર ગાડી અને સુરતથી સંતરામપુર તરફ જઈ રહેલી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. બંને વાહનો વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે આઇસર ગાડી રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકો અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.સંતરામપુર તરફ જઈ રહેલી આ બસમાં ૫૦થી વધુ મુસાફરો સવાર હતા. જોકે, અકસ્માતના આંચકાને કારણે બસમાં સવાર અમુક મુસાફરોને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી.ઘટનાની ગંભીરતાને જોતા એક બહુ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી, પરંતુ સદનસીબે બસમાં બેઠેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. આ અકસ્માતમાં પલટી ખાઈ ગયેલી આઇસર ગાડીના ચાલકને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, હાઇવે પર થયેલા આ અકસ્માતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને હાઈવે ઉપર અંદાજે એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની પરિસ્થિતિ સંભાળીને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને હાઇવે પર અટવાયેલા ટ્રાફિકને હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરી હતી.