દાહોદ જીલ્લામાં પોલીસે લૂંટ, ઘરફોડ ચોરી અને મારામારીના ગુનાના ૧૬ વોન્ટેડને ઝડપ્યા

દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકો કોઈપણ ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી દાહોદ એલસીબી દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ હતી.

તહેવારો ટાણે જ પોતાના ઘરે ઉજવણી કરવા માટે આવેલા લાંબા સમયના નાસતા ફરતા ગુનેગારો પર પોલીસે દરોડા પાડીને લૂંટ, ઘરફોડ ચોરી અને શરીર સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૧૬ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પંચમહાલ – ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ વિશેષ સ્પે.ડ્રાઇવ યોજવામાં આવી હતી.

જીલ્લા તેમજ જીલ્લા બહારના વિસ્તારોમાં લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, શરીર સંબંધિત ગંભીર, પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ભાગતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા એલસીબી દ્વારા અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.

દરમિયાન, દિવાળીના પર્વે આરોપીઓ પોતાના વતન કે ઘરે આવવાના હોવાની મળેલી ચોક્કસ બાતમીઓના આધારે એલસીબીની ટીમોએ વિવિધ સ્થળોએ વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી.

આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી ૧૬ આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ દાહોદ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો ઉપરાંત અન્ય જીલ્લાઓમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં પણ લાંબા સમયથી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. હાલમાં ઝડપાયેલા તમામ ૧૬ આરોપીઓને કાર્યવાહી અર્થે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.