
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના સાંઢપાડિયા ગામે મકાન નજીક આવેલા પતરાના શેડમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. શેડમાં પશુઓ માટે સંગ્રહ કરીને રાખવામાં આવેલો ઘાસચારો આગની ચપેટમાં આવી ગયો હતો. અચાનક લાગેલી આ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ જોતજોતામાં આગે સમગ્ર શેડને આવરી લીધો હતો.
ઘાસના પૂળા બળીને ભસ્મીભૂત થયા આગની આ ઘટનામાં પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલા ઘાસના તમામ પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. પતરાના શેડમાં રાખેલો ઘાસચારો સંપૂર્ણપણે નષ્ટ થઈ જતાં પશુપાલકને આર્થિક નુકસાન પહોંચ્યું હતું. ઘટના બનતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક સ્તરે આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
લુણાવાડા ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો આગ લાગવાની ઘટના અંગે તાત્કાલિક લુણાવાડા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ફાઇટરની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમયસર કામગીરી કરવામાં આવતાં આગ વધુ ફેલાતી અટકી હતી અને આસપાસના મકાનો સુધી પહોંચતા રોકી શકાઈ હતી.