ટ્રેનમાં દિવ્યાંગ પુત્ર સાથે મુસાફરી કરી રહેલી મહિલા મુસાફરનો મોબાઈલ ચોરાતાં રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરી ચોરાયેલો મોબાઈલ પરત અપાવ્યો હતો.
ટ્રેન નંબર ૨૨૯૦૨માં મહિલા મુસાફર અરવા મુફદ્દલ પોતાના દિવ્યાંગ પુત્ર સાથે HA-1 કોચની કેબિન નંબર C-8 અને C-10માં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ રતલામ મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં ટિકિટ ચેકિંગ સ્ટાફના દેવેન્દ્ર પ્રેમી, પપ્પુસિંહ રાણા અને ઈન્દ્રજીતે મહત્વની ભૂમિકા ભજવી હતી. વડોદરાના CMI કંટ્રોલના સહયોગ અને સંકલનથી ચેકિંગ સ્ટાફે શંકાસ્પદ વ્યક્તિને ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાંથી પકડી પાડ્યો હતો અને ચોરાયેલો મોબાઈલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ મોબાઈલ મહિલા મુસાફરને સલામત રીતે પરત સોંપવામાં આવ્યો હતો, જ્યારે આરોપીને ભરૂચ રેલવે સુરક્ષા બળને સોંપાયો હતો.