કાલોલ આઈસીડીએસ વિભાગમાં આંગણવાડી સંચાલકો દ્વારા તેડાગર બહેનોનો પગાર કાપી લેવાતા રોષ

સોેના દિલોમાં ઉત્સાહના દીવા પ્રગટાવતા દિવાળી તહેવારોની મોૈસમમાં જયારે દરેક પરિવાર ખુશીઓ ઉજવવાની તૈયારીઓ કરતો હોય છે ત્યારે કાલોલ આઈસીડીએસ વિભાગના કથિત મનસ્વી વલણને કારણે તાલુકાના અનેક ગામોમાં આંગણવાડી મહિલા સંચાલકો અને તેડાગરોની દિવાળી બગડી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. વિભાગ દ્વારા કથિત એફઆઈ રિપોર્ટની ચાબુક વિંઝી સપ્ટેમ્બર મહિનામાં ધારાધોરણ મુજબની સેલેરીમાંથી એક-બે દિવસનો પગાર કાપી લેવાતા સ્થાનિક સ્તરે ભારે રોષ ફેલાયો છે.

સુત્રોના જણાવ્યા મુજબ કાલોલ તાલુકાના ગામડાઓમાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ૨૦૦થી વધુ આંગણવાડી કેન્દ્રો પર સેવા આપતી આંગણવાડી સંચાલકો અને તેડાગરો પહેલાથી જ અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેમાંય વળી તંત્રની કઠોર નિતીના કારણે તેમને મુશ્કેલીમાં વધારો થયો છે. દિવાળી જેવા તહેવાર અગાઉ જ પગારમાંથી કપાત કરાતા આ મહિલાઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કર્મચારીઓ ખિસ્સામાંથી નાણાં ચુકવવા મજબુર બન્યા હોવાની બુમો ઉઠી છે. પગાર કાપની આ સમસ્યાની સાથે આંગણવાડીઓમાં પોષણક્ષમ આહાર અને અન્ય વ્યવસ્થાઓ માટે જરૂરી એવા મસાલા બિલ પણ છેલ્લા બે મહિનાથી પેન્ડિંગ છે. નિયમિત નાણાંકિય સહાય કે બિલ પાસ ન થવાના કારણે સંચાલકોએ પોતાના અંગત ખિસ્સામાંથી કે ઉછીણા નાણાં લઈને આ ખર્ચો વહન કરવો પડી રહ્યો છે. આર્થિક ભીંસ વચ્ચે પીસાઈ રહેલા આ કર્મચારીઓએ વિભાગીય અધિારીઓની આ ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળે છે.