ગોધરા નજીક આવેલા હમીરપુર ગામ ખાતે પાલિકાની ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવવા આવેલા વાહનોને સ્થાનિક ગ્રામજનોએ અટકાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે કચરો ઠાલવવાની કામગીરી સંપુર્ણપણે અટકી પડી હતી. બનાવની જાણ થતાં જ નગરપાલિકા વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી ગઈ હતી. અને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
સ્થાનિક ગ્રામજનોની મુખ્ય ફરિયાદ મુજબ હમીરપુર ડમ્પિંગ સાઈટ પર એકત્ર કરાયેલા કચરાના મોટા ઢગલાઓમાં વારંવાર આગ લાગવાની ધટનાઓ બને છે. આ આગના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં સતત ઝેરી ધુમાડો અને અસહ્ય દુર્ગંધ ફેલાતી હોવાથી લોકોને જીવવુ મુશ્કેલ બન્યુ છે. આ ઉપરાંત ગોધરા નગરપાલિકાના ડોર ટુર ડોર કચરો એકત્ર કરાતા વાહનો દ્વારા નિયમ મુજબ કચરો નાંખવાને બદલે ગમે તેમ અસ્તવ્યસ્ત રીતે ઠાલવી દેવામાં આવતો હોવાના પણ ગંભીર આક્ષેપો કરાયા છે. આ સમસ્યા અંગે અગાઉ નગરપાલિકા તંત્રમાં વારંવાર રજુઆતો કરાતા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આખરે રોષે ભરાયેલા ગ્રામજનોએ એકઠાં થઈને કચરાના વાહનો રોકી દીધા હતા. સ્થળ પર પહોંચેલા નગરપાલિકાના અધિકારીઓએ ગ્રામજનો સામે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા હતા. જોકે સ્થાનિકોએ જયાં સુધી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં નહિ આવે અને આગ લાગવાની ધટનાઓ રોકવા માટે કાયમી પગલા ભરવામાં નહિ આવે ત્યાં સુધી કચરો ઠાલવવાની કામગીરી શ થવા દેવામાં આવશે નહિ તેવી ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી.