
સંજેલી તાલુકાની માંડલી ગ્રુપ ગ્રામ પંચાયત છેલ્લા ૧૦ વર્ષથી સમરસ બનીને સાતેય ગામોમાં એકસાથે વિકાસની નવી ઊંચાઈઓ આંબી રહી છે પરંતુ આ વખતે દિવાળીના પર્વે માંડલી ગ્રામ પંચાયતે એવો ઈતિહાસ રચ્યો છે. .
માંડલીના મહિલા સરપંચ કાંતાબેન જશુભાઈ બામણીયાએ દિવાળી પર પંચાયતના સભ્યોને ૨૪ બાઈકો ભેટ આપીને અનોખો દિવાળી ધમાકો કર્યો છે.
છેલ્લા ૧૦ વર્ષથી સતત સમરસ બનતી અને ૭ ગામોને વિકાસના પંથે આગળ ધપાવતી આ પંચાયતના મહિલા સરપંચ કાંતાબેન જશુભાઈ બામણીયાએ એવી દિવાળી ભેટ આપી છે કે જે આખા તાલુકામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. દર વર્ષે દિવાળીએ ગરીબો અને સભ્યોને સાડી-કપડાં વહેંચવાની પરંપરા તો હતી જ પરંતુ આ વખતે મહિલા સરપંચે હેટ્રિક સાધતા આ પરંપરાને એક નવી જ ઊંચાઈએ પહોંચાડી છે.
પંચાયતના વિકાસમાં વર્ષોથી દિવસ-રાત એક કરનાર જૂની પંચાયતના ૧૨ અને વર્તમાન પંચાયતના ૧૨ એમ કુલ મળીને ૨૪ સભ્યોને એક-એક નવી બાઈક દિવાળી ભેટ તરીકે આપવામાં આવી છે.
આ ઉપરાંત ગામની મહિલાઓ અને જરિયાતમંદોને સાડી, કાપડ અને મીઠાઈનું વિતરણ કરીને ખુશીઓ વહેંચવામાં આવી હતી. બાઈક વિતરણનો આ વિશેષ સમારોહ પૂર્વ સરપંચ તથા પૂર્વ અઙખઈ ચેરમેન જશુભાઈ ધુળાભાઈ બામણીયા, રાજુભાઈ બામણીયા, ચિરાગભાઈ બામણીયા તેમજ ગામના વડીલો અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
બાઈકની ચાવીઓ હાથમાં આવતા જ સભ્યોના ચહેરા આનંદથી ખીલી ઊઠ્યા હતા. પરિવારના સભ્યોને દિલ ખોલીને જ આપવુ પડે પંચાયત એટલે અમારો પરિવાર છે અને પરિવારના સભ્યો માટે તો દિલ ખોલીને જ આપવું પડે.
ગામના વિકાસ અને લોકોની સુવિધા માટે અમે કોઈ કસર બાકી નહીં રાખીએ. પંચાયત વિસ્તારના દરેક નાગરિકનું હિત જ અમારી પ્રાથમિકતા છે. કાંતાબેન બામણીયા, સરપંચ, માંડલી ગ્રુપ ગ્રામ પંચાયત