છોટાઉદેપુર જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવી ચુકેલા તત્કાલિન જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં અપનાવાયેલા બેવડા ધોરણને લઈ શિક્ષણ આલમ તેમજ જિલ્લા પંચાયત ચર્ચા થઇ રહી છે. સમાન સંજોગો અને ગેરરિતી હોવા છતાં અલગ અલગ અધિકારીઓ સામે અલગ અલગ માપદંડો અપનાવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.
પ્રથમ કિસ્સામાં પેન્શન કપાતની સજામાં ફેબ્રુઆરી-૨૦૨૧ દરમિયાન શિક્ષણ વિભાગના નિયત ઠરાવો અને મહેકમ મુજબ યોજાયેલા વધ-ધટ કેમ્પમાં ૪ પ્રાથમિક શિક્ષકોને ધટવાળા તાલુકા બહારની શાળામાં મુકયા હતા. તે બાદ કેમ્૫ વગર જ નિયમોને નેવે મુકી ગેરરિતી આચરી તેઓને માતૃ તાલુકામાં પરત મુકયા હતા. આ બાબતે એક જાગૃત મહિલા દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાતા રચાયેલી તપાસ કમિટીમાં તથ્ય બહાર આવ્યુ હતુ. જેના પગલે નિવૃત્ત થયેલા તત્કાલિન જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ડો.વી.ડ.વ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી તેમના માસિક પેન્શનમાંથી નિયત રકમ કપાત કરવાનો આદેશ કર્યો હતો.
બોડેલી તાલુકાની લઠોદ પ્રા.શાળાના શિક્ષક સલીમભાઈ રહેમાન મન્સુરીને વર્ષ-૨૦૧૮માં માન્ય લાયકાત ન હોવા છતાં ગેરકાયદે રીતે મુખ્ય શિક્ષક તરીકે બઢતી આપી હતી. પ્રા.શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ૧૯/૦૧/૨૦૧૮ ના રોજ સ્પષ્ટ સુચના આપી હોવા છતાં સત્તાના જોરે તત્કાલિક ડીપીઈઓ મહેશ પ્રજાપતિ દ્વારા હુકમ કરાયો હતો. લઠોદના જાગૃત નાગરિક દ્વારા આર.ટી.આઈ.હેઠળ વિગતો મેળવી ગાંધીનગર ઉચ્ચકક્ષાએ આધાર-પુરાવા સાથે રજુઆત કરાતા, આખરે ૭ વર્ષ બાદ સલીમ મન્સુરીની એચટાટ બઢતી રદ્દ કરી મુળ શિક્ષક સંવર્ગમાં પરત મુકવાનો હુકમ કરાયો છે. ચેનલ ઓફ સબ મિશનમાં સામેલ તત્કાલિન સિનીયર કારકુન તેમજ તત્કાલિન ડીપીઈઓ નિવૃત્ત થઈ ચુકયા હોવાનુ કારણ આગળ ધરી શંકાનો લાભ આપી તેઓની સામે કડક કાર્યવાહી ટાળવામાં આવી હોવાનુ સામે આવતા સવાલો ઉભા થયા છે. તંત્રના આ બેવડા વલણ સામે ભારે અસંતોષ ફેલાયો છે.