છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ધામસીયાથી જબુગામ સુધીના ફોરલેન માર્ગના ડાયવર્ઝન બિસ્માર બનતા ધુળની ડમરીઓથી વાહનચાલકો હેરાન પરેશાન બન્યા છે. રૂ.૧૩૦૦ કરોડના ખર્ચે બની રહેલા નેશનલ હાઈવે-૫૬ની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધામસીયાથી જબુગામ સુધી નેશનલ હાઇવે-૫૬ને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. અંદાજે રૂ.૧૩૦૦ કરોડના ખર્ચે બની રહેલા હાઈવેની કામગીરી દરમિયાન વાહનચાલકોને સુવિધા અને સલામતી માટે બનાવેલા ડાયવર્ઝન રસ્તાઓ જ હાલ મુશ્કેલીનુ કારણ બન્યા છે. બિસ્માર રસ્તા અને ઉડતી ધુળની ડમરીઓના કારણે વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. નસવાડી તાલુકાના ધામસીયાથી અંદાજે ૨૮ કિ.મી.સુધી ફોરલેન માર્ગની કામગીરી ચાલી રહી છે. ધામસીયા અને ધોડીસીમળ વચ્ચે જુના રસ્તા પર વેજ મિકસ નાંખવામાં આવ્યુ હતુ. પરંતુ હવે આ મટીરીયલ છુટુ પડી જતાં રસ્તા ઉપરથી પસાર થતાં વાહનોના કારણે ધુળની ભારે ડમરીઓ ઉડી રહી છે. વાહન વ્યવહાર માટે આપેલા ડાયવર્ઝનના ડામર રસ્તાઓ પણ અનેક સ્થળોએ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી રહ્યા છે. આ માર્ગ પરથી રોજના હજારો વાહનચાલકો પસાર થઈ રહ્યા છે. ખાસ તો બાઈક ચાલકોને ધુળના કારણે આગળનો રસ્તો દેખાતો ન હોવાથી અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. એક તરફ કરોડોના ખર્ચે નેશનલ હાઈવેનુ નિર્માણ થઈ રહ્યુ છે. કામગીરી દરમિયાન વાહનચાલકો માટે યોગ્ય અને સુરક્ષિત ડાયવર્ઝન વ્યવસ્થા ઉભી કરાઈ નથી. મોટી કામગીરી ચાલી રહી હોવા છતાં નેશનલ હાઈવે વિભાગના જવાબદાર અધિકારીઓએ સ્થળ ઉપર મુલાકાત લઈને રસ્તાઓની સ્થિતિનુ નિરીક્ષણ કર્યુ નથી.