
અમદાવાદમાં જુલાઈ મહિનામાં ૨૩ અને ૨૪ તારીખે શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(એએમસી) દ્વારા વરસાદી નુકસાન બદલ સહાય મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જોકે, ૩૦ સપ્ટેમ્બરે અરજી કરવાની મુદત પૂર્ણ થતાં સમગ્ર શહેરમાંથી માત્ર ૭૫ અરજીઓ જ મળી હોવાનું સામે આવ્યું છે.
ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને નુકસાન થયું હોવા છતાં સહાય માટે આટલી ઓછી અરજીઓ આવતાં હવે સવાલ ઊભા થયા છે. ખાસ વાત એ છે કે, કુલ ૭૫ અરજીઓમાંથી ૫૮ અરજી માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી આવી છે. જ્યારે બાકીના છ ઝોનમાંથી મળીને માત્ર ૧૭ અરજીઓ મળી છે. ત્યારે હવે ચર્ચા શરૂ થઈ છે કે, સહાયને લઈને કોર્પોરેશને સ્પષ્ટતા તેમજ વિકાસ કામોની જેમ જાહેરાતો ન કરી હોવાથી ઓછી અરજીઓ આવી છે અને લોકોએ નુકસાન વેઠી લીધું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, જુલાઈમાં પડેલા ભારે વરસાદના કારણે નાગરિકોના ઘરવખરી સહિતના માલસામાનને થયેલા નુકસાન માટે સરકારી સહાય મેળવવા અરજીઓ મંગાવવામાં આવી હતી. ૩૦ સપ્ટેમ્બર અરજી કરવાની છેલ્લી તારીખ હતી અને અંતિમ દિવસ સુધીમાં કુલ ૭૫ અરજીઓ મળી છે.
સહાય માટે માત્ર ૭૫ અરજીઓ આવવા પાછળના કારણો અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા વિકાસના કામોની જેમ વરસાદી નુકસાનની સહાય અંગે મોટા પાયે જાહેરાતો કરવામાં આવી નહોતી. જેના કારણે અસરગ્રસ્ત નાગરિકો સુધી સહાય અંગેની માહિતી કેટલી પહોંચી તે સવાલ છે. આ ઉપરાંત અસરગ્રસ્ત નાગરિકોને સહાય તરીકે રૂપિયા આપવામાં આવશે, ટેક્સમાં રાહત આપવામાં આવશે કે અન્ય કોઈ રીતે સહાય કરવામાં આવશે તે અંગે પણ શરૂઆતથી સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સહાયનું સ્વરૂપ અને પ્રક્રિયા અંગે પૂરતી સ્પષ્ટતા ન હોવાથી અનેક અસરગ્રસ્તોએ અરજી જ ન કરી હોવાની ચર્ચા છે.
ભારે વરસાદ બાદ ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હોવા છતાં અરજી કરનારા લોકોની સંખ્યા માત્ર ૭૫ રહેતાં સવાલ એ પણ છે કે બાકીના અસરગ્રસ્ત નાગરિકોએ સહાય માટે અરજી કેમ ન કરી. પૂરતી માહિતી અને પ્રચારના અભાવે નાગરિકો સહાય મેળવવાની પ્રક્રિયાથી અજાણ રહ્યા હોય અથવા સહાયનું સ્વરૂપ સ્પષ્ટ ન હોવાથી અરજી કરવાનું ટાળ્યું હોય તેવી શક્્યતા અંગે ચર્ચા થઈ રહી છે. જા કે, કોર્પોરેશન તરફથી મળેલી તમામ અરજીઓની હવે ચકાસણી કરવામાં આવશે. અરજીઓ અને નુકસાનની વિગતોની તપાસ કર્યા બાદ કોને કેટલી સહાય ચૂકવવામાં આવશે તે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.
આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના ખાણીપીણી બજારોમાં પણ ચેકિંગ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં ફૂડ વિભાગને ખાસ કરીને રાત્રે ચાલતા ખાણીપીણી બજારોમાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. લો ગાર્ડન, માણેકચોક, પાલડી, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ચાલતા રાત્રિના ખાણીપીણી બજારો ઉપરાંત નવરાત્રી દરમિયાન જ્યાં ફૂડ સ્ટોલ લગાવવામાં આવે ત્યાં પણ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે.