
અબડાસા તાલુકાના સીમાવર્તી વિસ્તારમાં સરકારી ગૌચર જમીન પર થયેલા દબાણ સામે પશ્ચિમ કચ્છ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. કોઠારા અને ભેદી ગામની સીમમાં આવેલી સરકારી જમીન પર ખેતીના હેતુથી કરવામાં આવેલા દબાણો દૂર કરીને અંદાજે ૪૦૦ એકર ગૌચર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.
તંત્રના જણાવ્યા મુજબ, સરકારી જમીન પર ખેતી માટે કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં કુલ ૧૫ દબાણકારોના કબજા હટાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.દબાણમુક્ત કરાયેલી જમીનની અંદાજિત કિંમત રૂ.૧ કરોડ ૨૦ લાખ જેટલી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
પશ્ચિમ કચ્છ પોલીસના જણાવ્યા પ્રમાણે, સરહદી વિસ્તારની સુરક્ષા અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર કબજાઓને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને નલિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઈના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.
કોઠારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. રાડા સહિતના પોલીસ કર્મચારીઓએ કોઠારા ગ્રામ પંચાયત અને અબડાસા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકલન કરીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.સરકારી સર્વે નંબર ૮૭૧, ૮૭૨, ૮૭૩, ૯૪૫, ૯૪૬ અને ૯૪૭ પૈકીની જમીન પર ખેતીના હેતુથી થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.દબાણ
દૂર કરવાની કાર્યવાહી બાદ સંબંધિત ગૌચર જમીન સરકારના કબજામાં પરત લેવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે. સરહદી વિસ્તારમાં આવેલી સરકારી જમીનને દબાણમુક્ત કરાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.