સાબરમતીમાં ઉધારની પડીકીનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો, આરોપી ફરાર થઇ ગયો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ધર્મનગર રેલવે સ્ટેશન નજીક ઉધારમાં પડીકી આપવાના મુદ્દે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પાનનો ગલ્લો ચલાવતા ૫૫ વર્ષીય આધેડ પર એક યુવકે ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગંભીર ઇજાઓ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રાજેશભાઈ ઠાકોરનું મોત થયું છે. ઘટનાને પગલે સાબરમતી પોલીસે અગાઉ નોંધાયેલી મારામારીની ફરિયાદમાં હવે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાજેશભાઈ ઠાકોર ધર્મનગરની લક્ષ્મણજીની ચાલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા અને ધર્મનગર રેલવે સ્ટેશનની બહાર ‘મહાકાળી પાન પાર્લર’ નામનો ગલ્લો ચલાવતા હતા.આક્ષેપ મુજબ, બે દિવસ પહેલાં ધર્મનગર મહુડા વાળી ચાલી વિસ્તારમાં રહેતો અનિલ ઠાકોર નામનો યુવક ગલ્લા પર તાનસેન નામની પડીકી ઉધારમાં લેવા આવ્યો હતો. રાજેશભાઈએ અગાઉના આશરે રૂ.૧,૬૦૦ ચૂકવી દેવામાં આવે ત્યાર બાદ જ ફરી ઉધાર આપવાની વાત કરી હતી. આ બાબતે યુવક રોષે ભરાયો હોવાનો પરિવારનો આક્ષેપ છે.

ત્યારબાદ સાંજે આશરે ૭ઃ૩૦ વાગ્યે રાજેશભાઈ ગલ્લા પર હાજર હતા અને તેમનો મોટો પુત્ર પણ ત્યાં હતો. તે સમયે અનિલ ઠાકોર ધારદાર છરી લઈને આવ્યો અને રાજેશભાઈ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.પરિવારના જણાવ્યા મુજબ, હુમલા દરમિયાન આરોપીએ તેમના પુત્રને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં રાજેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે સાબરમતીની પંચશીલ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.ગંભીર ઇજાઓને પગલે રાજેશભાઈને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જાકે, ટૂંકી સારવાર બાદ આજે સવારે તેમનું મોત થયું હતું. મોતના સમાચાર મળતાં પરિવારજનો હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે શરૂઆતમાં પોલીસે ઘટનામાં હળવી કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જાકે, ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો છે.સાબરમતી પોલીસે હવે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી અનિલ ઠાકોરની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં હુમલાનું ચોક્કસ કારણ, અગાઉનો વિવાદ અને અન્ય પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.