
સુપ્રીમ કોર્ટે પટનામાં નૌજર ઘાટ અને નૂરપુર ઘાટ વચ્ચે ગંગા પૂરના મેદાનમાં બનેલા તમામ ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણો દૂર કરવા માટે બિહાર સરકારને આઠ અઠવાડિયાનો સમય આપ્યો છે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ કે. વી. વિશ્વનાથનની આગેવાની હેઠળની બેન્ચે નોંધ્યું હતું કે ૨૧ જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે નૌજર ઘાટ અને નુરપુર ઘાટ વચ્ચે ગંગા પૂરના મેદાનમાં ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણો દૂર કરવા માટે રાજ્યને છ અઠવાડિયાનો સમય આપ્યો હતો.
૨૮ સપ્ટેમ્બરના રોજ, બિહારના એડવોકેટ જનરલ, એસ.ડી. સંજયે બેન્ચને જાણ કરી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું આંશિક રીતે પાલન કરવામાં આવ્યું છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે નેપાળમાં તાજેતરની કુદરતી આફતને કારણે ગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર ડૂબી ગયો હતો, જેના કારણે અતિક્રમણ દૂર કરવાની પ્રક્રિયા આગળ વધવી મુશ્કેલ બની હતી. નારાજગી વ્યક્ત કરતા, બેન્ચે કહ્યું, “અમે છેલ્લા આઠ અઠવાડિયાનો સમય આપીએ છીએ. જા નિર્દેશોનું પાલન નહીં થાય, તો અમારે બિહારના મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓને સમન્સ પાઠવવા પડશે, અને તિરસ્કારની કાર્યવાહી પણ શરૂ થઈ શકે છે.”
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, “આઠ અઠવાડિયા પછી, એટલે કે, આગામી સુનાવણીમાં, અમે અતિક્રમણ દૂર કરવા અંગે સંપૂર્ણ પાલન અહેવાલ ઇચ્છીએ છીએ. વધુ સમય આપવામાં આવશે નહીં.” સર્વોચ્ચ અદાલત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના જૂન ૨૦૨૦ ના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં પર્યાવરણીય રીતે સંવેદનશીલ પૂરના મેદાનમાં ગેરકાયદેસર બાંધકામ અને કાયમી અતિક્રમણ સામેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
૨૮ સપ્ટેમ્બરના તેના આદેશમાં, બેન્ચે એ પણ નોંધ્યું હતું કે આ કેસમાં કેટલીક હસ્તક્ષેપ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બાંધકામ ખાનગી જમીન પર છે અને પૂરના મેદાનમાં આવતું નથી. બેન્ચે કહ્યું, “આવા હસ્તક્ષેપ કરનારાઓ સક્ષમ અધિકારી સમક્ષ અરજીઓ દાખલ કરી શકે છે.”
કોર્ટે સ્પષ્ટતા કરી કે જો કોઈ હસ્તક્ષેપ કરનાર રજૂઆત દાખલ કરે છે, તો તેણે જમીનની માલિકી, બાંધકામ મંજૂરીઓ અને અન્ય જરૂરી પરવાનગીઓ સંબંધિત તમામ દસ્તાવેજા જોડવા પડશે. આ દસ્તાવેજો વિના, કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જુલાઈમાં સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ગંગા નદીના કિનારે ગેરકાયદેસર બાંધકામને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો અને બિહાર સરકારને છ અઠવાડિયામાં નૌજર ઘાટ અને નૂરપુર ઘાટ વચ્ચેના તમામ અતિક્રમણ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.