કોસંબાના ચકચારી ટ્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓ માધવદાસ સાધુ અને તેની પત્ની ઊર્મિલા ઉર્ફે જયા સાધુની ધરપકડ

કોસંબાના ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. એક જ વર્ષમાં ત્રણ હત્યા. અને ત્રણેય હત્યાને બીમારીથી થયેલા મોતમાં ખપાવી દેવાનો આરોપ,કોસંબા પોલીસે હત્યાના આરોપી દંપતી માધવદાસ સાધુ અને તેની પત્ની ઊર્મિલા ઉર્ફે જયા સાધુને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, દંપતીએ વર્ષ ૨૦૨૨માં અલગ-અલગ ત્રણ હત્યાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ત્રણેય હત્યા એક જ પ્રકારે, ઓશિકાથી શ્વાસ ગૂંગળાવીને કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

કોસંબામાં સામે આવેલા ટ્રિપલ મર્ડર કેસે સમગ્ર સુરત ગ્રામ્યમાં ચકચાર મચાવી છે. આ કેસમાં કોસંબા પોલીસે હત્યાના આરોપી દંપતી માધવદાસ સાધુ અને તેની પત્ની ઊર્મિલા ઉર્ફે જયા સાધુને કબ્જે લીધા છે. પોલીસ તપાસમાં દંપતીની હત્યાકાંડમાં સંડોવણી સામે આવી છે. મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે ગતરોજ કોસંબા પોલીસે મેડિકલ ઓફિસરની હાજરીમાં દાદી સાસુ શાંતાબેન વસાવાના મૃતદેહના અવશેષો એટલે કે કંકાલ બહાર કાઢ્યો હતો. કંકાલ મળ્યા બાદ સંબંધીઓ દ્વારા બંગડી અને કપડાંના આધારે મૃતકની ઓળખ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, શાંતાબેનના મોત બાદ માધવદાસ અને તેની પત્ની સતત તેમનું મૃત્યુ કોરોનાના કારણે થયું હોવાનું રટણ કરતા હતા. પરંતુ હવે પોલીસ તપાસમાં હત્યાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી દંપતીએ વર્ષ ૨૦૨૨માં એક જ વર્ષ દરમિયાન ત્રણ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. ત્રણેય હત્યા એક જ પ્રકારે કરવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીઓએ ઓશિકાથી શ્વાસ ગૂંગળાવીને ત્રણેયને મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ ત્રણેય હત્યાને બીમારીના કારણે થયેલા કુદરતી મોત તરીકે ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં હત્યા પાછળના અલગ-અલગ કારણો પણ સામે આવ્યા છે. આરોપીઓની સાળી ટીબીની બીમારીથી પીડાતી હતી. અને તેની સારવારના ખર્ચાથી કંટાળીને તેની હત્યા કરી હોવાની કબૂલાત સામે આવી છે. જ્યારે પોતાની માતા લકવાગ્રસ્ત હોવાથી તેમની સંભાળ રાખી શકતા ન હોવાના કારણે તેમની પણ હત્યા કરી હોવાનો આરોપ છે. સૌથી ચોંકાવનારી હત્યા દાદી સાસુ શાંતાબેન વસાવાની હોવાનું સામે આવ્યું છે. મિલકત મેળવવાના બદઈરાદે દાદી સાસુની હત્યા કરવામાં આવી હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે.

આ કેસમાં આરોપી માધવદાસ સાધુનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસનો મહત્વનો ભાગ બન્યો છે. કોસંબા પોલીસે દંપતી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી આ ત્રણ હત્યા ઉપરાંત અન્ય કોઈ ગુનાની કડી મળે છે કે કેમ, તે તપાસનો મહત્વનો મુદ્દો રહેશે. સમગ્ર ચકચારીત ટ્રિપલ મર્ડર કેસમાં દંપતીની ભૂમિકા, હત્યાની ચોક્કસ પરિસ્થિતિ અને મિલકત સહિતના અન્ય સંભવિત કારણોને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે. હત્યાકાંડમાં સંડોવાયેલ પત્ની ઊર્મિલા પતિ માધવદાસ સાધુ સાથે ઝઘડો કરી ચાલી ન ગઈ હોત તો આ હત્યાકાંડ બહાર ન આવ્યો હોત. હત્યારા પતિ માધવદાસ સાધુએ પોતાની પત્ની અને સાળા ને ફસાવવા માટે પોલીસમાં અરજી કરી અને પોલીસની તપાસમાં શિકારી નો શિકાર થઈ ગયો, અને પોતે પત્ની સાથે મળીનેજ હત્યાકાંડ કર્યો હોવાની કબૂલાત કરી છે.