
શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરો દ્વારા આઠ કલાકની નોકરી અને અઠવાડિયામાં એક દિવસની રજાની માંગને લઈને ચાલી રહેલું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. કારીગરોની માંગણીઓના મુદ્દે અગાઉ કલેક્ટર કચેરીએ ઘેરાવ કરવામાં આવ્યા બાદ સરકારે પરિપત્ર બહાર પાડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાકે, કારીગરોના આક્ષેપ મુજબ, ટેક્સટાઇલ મિલોના માલિકો અને વેપારીઓ આ જાગવાઈઓનો અમલ કરવા તૈયાર ન હોવાથી વિવાદ વધુ વકર્યો છે.
આંદોલનના આગેવાન અજય દુબેની બે દિવસ પહેલાં એક કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ કારીગરોમાં વધુ રોષ ફેલાયો હતો. આજે મોટી સંખ્યામાં કારીગરો કલેક્ટર કચેરીએ ઘેરાવ કરવા પહોંચશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ Âસ્થતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અગાઉથી જ મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આંદોલનના કેટલાક આગેવાનોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હોવા છતાં મોટી સંખ્યામાં કારીગરો વિરોધ નોંધાવવા એકત્ર થયા હતા.
આંદોલનના આગેવાનોની ધરપકડને પગલે કારીગરોમાં નારાજગી વધુ તીવ્ર બની હતી. પોતાની માંગણીઓનો ઉકેલ લાવવાને બદલે આંદોલનને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની લાગણી કારીગરોમાં જાવા મળી રહી છે. પોલીસની કાર્યવાહીથી રોષે ભરાયેલા કારીગરોએ હવે આંદોલનને નવી દિશા આપવાની તૈયારી દર્શાવી છે. વિરોધ કરી રહેલા કારીગરોએ હવે પોતાના વતન તરફ પરત ફરવાની અને અન્ય કારીગરોને પણ આ દિશામાં આગળ વધવાની અપીલ કરી છે.
કારીગરોના જણાવ્યા અનુસાર, ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોનું શોષણ થતું હોવાના કારણે તેઓ હવે અહીં કામ કરવા પર પુનર્વિચાર કરી રહ્યા છે. કારીગરોએ અન્ય શ્રમિકોને પણ પોતાના વતન પરત જઈ ત્યાં રોજગારની તકો શોધવા અને ગુજરાતમાં પાછા નહીં આવવા અપીલ કરી છે. આ સાથે ‘ગાંવ ચલો’ અભિયાનને વધુ વ્યાપક બનાવવાની વાત કરવામાં આવી રહી છે.
કારીગરોના આંદોલનને હવે સુરત પૂરતું મર્યાદિત ન રાખીને પોતાનાં વતનનાં રાજ્યો સુધી લઈ જવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. કારીગરોનું કહેવું છે કે તેઓ પોતાના રાજ્યમાં સરકાર પર દબાણ ઊભું કરશે, જેથી ત્યાં જ ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગો શરૂ થાય અને રોજગારીની તકો ઉપલબ્ધ બને. આ ઉપરાંત, પોતાના રાજ્યોમાં ધારાસભ્યો, સાંસદો અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરવા તેમજ જરૂર પડે તો તેમની કચેરીઓનો ઘેરાવ કરીને વિરોધ નોંધાવવાની પણ વાત કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં પરપ્રાંતીય કારીગરોની મહેનત પર આધારિત છે. આવા સંજાગોમાં કારીગરોનું આંદોલન વધુ ઉગ્ર બને અને મોટી સંખ્યામાં શ્રમિકો વતન પરત ફરવાનો નિર્ણય લે તો ઉદ્યોગના કામકાજ પર તેની અસર પડી શકે છે. હાલમાં આઠ કલાકની નોકરી અને અઠવાડિયામાં એક દિવસની રજાની માંગને લઈને કારીગરો અને ઉદ્યોગના સંચાલકો વચ્ચેનો વિવાદ નિર્ણાયક તબક્કે પહોંચતો દેખાઈ રહ્યો છે. હવે સરકાર, વહીવટી તંત્ર અને ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આ મુદ્દે શું વલણ અપનાવે છે તથા કારીગરોની માંગણીઓનો કોઈ ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.