કાલોલ તાલુકાની ૪૫ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓને બ્રેક : ૨૭ નવેમ્બરે જાહેર થનારી આખરી મતદાર યાદી મુલતવી, હવે નવી તારીખની રાહ જોતા ઉમેદવારો

-રાજ્ય ચૂંટણી આયોગના નિર્ણયથી સરપંચ અને સભ્યપદના સંભવિત ઉમેદવારોમાં ચર્ચા; ચૂંટણી કાર્યક્રમ જાહેર થવામાં પણ વિલંબ થવાની શક્યતા.

ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા. ૨૭-૧૧-૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થનારી ગ્રામ પંચાયતોની વોર્ડવાર આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ હાલ પૂરતી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય ચૂંટણી આયોગના સચિવ એન. કે. ડામોર દ્વારા તમામ જીલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને સત્તાવાર પરિપત્ર પાઠવી જાણ કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગના આ નિર્ણયની અસર પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાની આગામી ગ્રામ પંચાયત ચૂંટણીઓની તૈયારીઓ પર પણ પડી શકે છે. કાલોલ તાલુકામાં આગામી ચૂંટણી પ્રક્રિયાને લઈને આશરે ૪૫ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યપદ માટે ચૂંટણીની તૈયારીઓ તથા સ્થાનિક સ્તરે રાજકીય ચર્ચાઓ શ‚ થઈ છે. ત્યારે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા મુલતવી રહેતાં ચૂંટણી લડવા ઇચ્છુક સંભવિત ઉમેદવારો અને ગ્રામજનોની નજર હવે રાજ્ય ચૂંટણી આયોગની આગામી જાહેરાત પર મંડાઈ છે.

પરિપત્ર અને મતદાર યાદી પ્રક્રિયાની મુખ્ય વિગતો : મુલતવી રાખવાનું કારણ: મતદાર યાદીની ચકાસણી અને જ‚રી સુધારણાની કામગીરી હજુ ચાલુ હોવાથી તથા વહીવટી કારણોસર ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ થનારી આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ હાલ મોકૂફ રાખવામાં આવી છે.

નવી તારીખ ક્યારે? આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ અંગેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

કઈ ગ્રામ પંચાયતોનો સમાવેશ? રાજ્ય ચૂંટણી આયોગના અગાઉના આદેશ મુજબ, આ યાદીમાં નીચે મુજબની ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે :

તા. ૩૧-૦૩-૨૦૨૭ સુધીમાં મુદત પૂરી થતી હોય અથવા પૂર્ણ થઈ ગયેલી ગ્રામ પંચાયતો.

તા. ૧૭-૧૦-૨૦૨૬ સુધી વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલી ગ્રામ પંચાયતો (સને ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે થયેલ વોર્ડ સીમાંકન મુજબ).

તા. ૧૭-૧૦-૨૦૨૬ સુધી વિસર્જન થયેલી મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામ પંચાયતો.

તા. ૧૭-૧૦-૨૦૨૬ સુધી ખાલી પડેલી વોર્ડ અથવા સરપંચની બેઠકોની પેટા ચૂંટણી માટેની મતદાર યાદી.

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં વોર્ડવાર આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થવી એ મહત્વપૂર્ણ તબક્કો છે. આખરી મતદાર યાદી જાહેર થયા બાદ જ ચૂંટણીની આગળની પ્રક્રિયા અને મતદાન સહિતનો કાર્યક્રમ સ્પષ્ટ થતો હોય છે.

કાલોલ તાલુકાની ૪૫ ગ્રામ પંચાયતોમાં સરપંચપદ અને વોર્ડ સભ્યપદના સંભવિત દાવેદારો ગામડે-ગામડે જઈ મતદારોનો સંપર્ક કરી રહ્યા હતા અને સમીકરણો ગોઠવી રહ્યા હતા. જોકે, આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ મુલતવી રહેતાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવામાં પણ વિલંબ થવાની શક્યતા સેવાઈ રહી છે. હવે ચૂંટણી આયોગ દ્વારા નવી તારીખ ક્યારે જાહેર કરવામાં આવે છે, તેના પર કાલોલ તાલુકા સહિત સમગ્ર પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોની નજર રહેશે.