કાલોલ તાલુકાના કાનોડ ગામમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી આશરે રૂ.૧,૫૦,૦૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે કાલોલ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે
કાનોડ ગામના લાયબ્રેરીવાળા ફળિયામાં રહેતા અને ખેતી તથા ગામની દૂધ ડેરીમાં એ.આઈ. કર્મચારી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ નરવતસિંહ ચૌહાણ (ઉં.વ. ૩૭) ગઈકાલે તા. ૨૬/૧૧/૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૮:૦૦ વાગ્યે પોતાનું ટિન કામ પતાવી પરિવાર સાથે ગામની સીમમાં આવેલા બોડીદરા વાળા ખેતરની ઓરડીએ રહેવા અને સૂવા માટે ગયા હતા. જતી વખતે તેમણે ગામમાં આવેલા પોતાના જૂના મકાનના આગળ-પાછળના દરવાજા બંધ કરી લોખંડની જાળીવાળા દરવાજાને તાળું માર્યું હતું.
આજે તા. ૨૭/૧૧/૨૦૨૬ ના રોજ સવારે આશરે ૭:૦૦ વાગ્યે રમેશભાઈ ડેરીએ ગયા હતા ત્યારે સામે રહેતા તેમના કુટુંબી ફુઆ મહેશભાઈ રામસિંગભાઈ ચૌહાણે ફોન કરીને જણાવ્યું હતું કે તેમના જૂના ઘરનો લોખંડની જાળીવાળો દરવાજો ખુલ્લો છે. રમેશભાઈએ તાત્કાલિક ઘરે જઈને તપાસ કરતા આગળના દરવાજાનું તાળું ગાયબ હતું અને આગળ-પાછળના બંને દરવાજા ખુલ્લા હતા. ઘરની અંદર જઈને જોતા તિજોરી, બે પીપડા અને એક નાની પેટીના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા.
તસ્કરો તિજોરી માંથી નીચે મુજબના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે :
સોનાની ઝુમ્મર બુટ્ટી (૧ જોડ), સોનાનો સેટ (૧ નંગ), સોનાની વીંટી (૧ નંગ), સોનાનો દોરો (૧ નંગ), સોનાનું લોકેટ (૧ નંગ), ચાંદીના છડા (૧ જોડ), ચાંદીનો આંકડો (૧ નંગ), ચાંદીની ઝાંઝરી (૧ જોડ) આ તમામ દાગીનાની કુલ અંદાજીત કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- આંકવામાં આવી છે.
આ બનાવ અંગે રમેશભાઈ ચૌહાણે કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા B.N.S. ની કલમ ૩૦૫(ફ) અને ૩૩૧(૩) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ આર મોહનિયા ચલાવી રહ્યા છે.