
વર્ષ ૨૦૨૧-૨૨ની કામગીરીમાં તલાટી, સરપંચ અને સરપંચ પતિની મીલીભગતથી સરકારી નાણાંની ઉચાપત થયાનો ગંભીર આક્ષેપ.
૧,૪૦૦ નળ જોડાણો અને પાણીની ટાંકીઓના નામે રૂ.૧.૪૩ કરોડના ટેન્ડર સામે રૂ.૧.૨૯ કરોડનો ઉપાડ સ્થળ તપાસ કરી જવાબદારો પાસેથી નાણાં વસૂલવા અને કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોની બુલંદ માંગ.
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના બેઢીયા ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘જલ જીવન મિશન’ અંતર્ગત “નલ સે જલ યોજનાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ તંત્ર સામે બાંયો ચઢાવી છે. આ મામલે બેઢીયા ગામના જાગૃત નાગરિકોએ કાલોલ તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ)ને સહીઓ સાથેનું લેખિત આવેદનપત્ર સુપરત કરી સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્ર મુજબ, વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન બેઢીયા ગ્રામ પંચાયત હેઠળ ‘નલ સે જલ’ યોજનાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વસ્તી અને જોડાણ બેઢીયા ગામની કુલ ૮,૩૪૮ ની વસ્તી અને ૧૨ ફળિયા પૈકી કુલ ૮ ફળિયામાં કુલ ૧,૪૦૦ નળ જોડાણો આપવામાં આવ્યા હોવાનું કાગળ પર દર્શાવવામાં આવ્યું છે.
ફળિયાવાર જોડાણની વિગત: પથ્થરની મુવાડી (૧૯૯), ગુલાબ કેસરની મુવાડી (૧૨૫), રકાની મુવાડી (૨૧૯), સબુર કાળુની મુવાડી (૨૨૫), ખારા કુવા (૧૨૪), શના પ્રતાપ (૧૦૪), લેરીપુરા (૨૭૯) અને તલાવડી (૧૬૧) માં નળ જોડાણો આપ્યાનો ઉલ્લેખ છે. (નોંધ: આવેદનપત્રમાં દર્શાવેલ આ ફળિયાવાર જોડાણોનો સરવાળો ૧,૪૩૬ થાય છે, જ્યારે કુલ જોડાણ ૧,૪૦૦ દર્શાવાયા છે) બાંધકામ અને મશીનરી: પી.એમ.૩ બી જૂથ પાણી પુરવઠા યોજનાના સંપ આધારિત ૧.૫૦ લાખ લિટરની ૧૮ મીટર ઊંચી ટાંકી, ૯૦ લાખ લિટરની ૧૨ મીટર ઊંચી ટાંકી, ૨ પમ્પિંગ મશીનરી તેમજ ભીંતસૂત્રો સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. આ સમગ્ર કામગીરી માટે રૂ૧,૪૩,૮૧,૦૭૯.૫૩ નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જેની સામે યોજનાની અંદાજીત કિંમત રૂ.૧,૨૯,૧૧,૨૬૬ નું બિલ બનાવીને નાણાંનો ઉપાડ કરી લેવામાં આવ્યો છે. ગ્રામજનોએ આ આવેદનપત્રની નકલ જીલ્લા વિકાસ અધિકારી TDO, પંચમહાલ-ગોધરાને પણ રવાના કરી છે. કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂ કરાયેલા આ આવેદનપત્ર બાદ હવે જીલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કેવા કડક પગલાં ભરવામાં આવે છે, તેના પર સમગ્ર પંથકની મીટ મંડાઈ છે.