
યાત્રાધામ પાવાગઢમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. પાવાગઢ ડુંગર પર પ્રતિબંધિત પ્લાસ્ટિકની પાણી અને સોફ્ટ ડ્રિંકની બોટલોનું વેચાણ થતું હોવાના મુદ્દે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ.ડી.એમ. (ADM) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અસરકારક અમલીકરણના ભાગરૂપે વિવિધ સરકારી વિભાગોની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અંદાજે રૂ. 2.50 લાખની કિંમતનો પ્રતિબંધિત બોટલોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, પાવાગઢ ડુંગર પર પ્રતિબંધિત પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગ અને વેચાણ પર નિયંત્રણ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે ફોરેસ્ટ વિભાગ, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, પોલીસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા પાવાગઢ વિસ્તારમાં વિવિધ સ્થળોએ તપાસ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું.

સંયુક્ત તપાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકની પાણીની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં એક લિટરની અંદાજે 13 હજાર જેટલી પાણીની બોટલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશરે 800 જેટલી સોફ્ટ ડ્રિંકની બોટલો પણ મળી આવતા તંત્ર દ્વારા તમામ જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 2.50 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલી તમામ બોટલોનો જથ્થો આગળની જરૂરી કાર્યવાહી અને નિકાલ માટે પંચાયતને સોંપવામાં આવ્યો હતો. જાહેરનામાના અમલીકરણ માટે વિવિધ વિભાગો એકસાથે મેદાનમાં ઉતરતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણકારો અને ઉપયોગકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, પાવાગઢ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ હોવાની સાથે પર્યાવરણની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. આવા સંજોગોમાં પ્લાસ્ટિકની બોટલો અને અન્ય પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ અને સ્વચ્છતા સામે પડકાર ઊભો થઈ શકે છે.
પાવાગઢને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવાના હેતુથી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ જાહેરનામાના અમલીકરણ માટે આવી તપાસ અને કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતા છે. તંત્રની આ કામગીરીથી પાવાગઢમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ પર કેટલો અંકુશ આવે છે તે જોવું રહ્યું.