
924.01 કિલોગ્રામ ગાંજાના છોડ જપ્ત, અંદાજિત કિંમત રૂ. 4.62 કરોડથી વધુ; SOG અને ANWની સંયુક્ત ટીમે હાથ ધરી કાર્યવાહી
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે ગાંજાની ગેરકાયદેસર ખેતીનો મોટો પર્દાફાશ થયો છે. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કંકુથાંભલા ગામના ચાર અલગ-અલગ ખેતરોમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ મામલે પંચમહાલ SOG અને ANWની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીમાં ગાંજાના કુલ 502 છોડ ઝડપી પાડવામાં આવ્યા હતા અને ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામમાં ચાર અલગ-અલગ ખેતરોમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની માહિતીના આધારે SOG અને ANWની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા સંબંધિત ખેતરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ખેતરોમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું મળી આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી ગાંજાના કુલ 502 છોડ કબજે કર્યા હતા. જપ્ત કરવામાં આવેલા ગાંજાના છોડનું કુલ વજન 924.01 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ છોડની અંદાજિત કિંમત રૂ. 4,62,00,500 એટલે કે ચાર કરોડ બાસઠ લાખ પાંચસો રૂપિયા આંકવામાં આવી છે. આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાની ખેતી સાથે સંકળાયેલા હોવાના આરોપસર ચાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. જેમાં પ્રભાતભાઈ રાયસિંહ બારિયા, ગુલાબભાઈ બળવંતભાઈ બારિયા, સોનાભાઈ રાયસિંહ બારિયા અને કમળાબેન દિવાનસિંહ બારિયાનો સમાવેશ થાય છે.
ઝડપાયેલા આરોપીઓનાં નામ:
- * પ્રભાતભાઈ રાયસિંહ બારિયા
- * ગુલાબભાઈ બળવંતભાઈ બારિયા
- * સોનાભાઈ રાયસિંહ બારિયા
- * કમળાબેન દિવાનસિંહ બારિયા (વિધવા)
કંકુથાંભલા ગામના ચાર અલગ-અલગ ખેતરોમાં ગાંજાનું વાવેતર મળી આવતાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલી મોટી માત્રામાં ગાંજાના છોડ ક્યાં હેતુથી ઉગાડવામાં આવ્યા હતા અને આ ગેરકાયદેસર ખેતી પાછળ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે સહિતની બાબતો અંગે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાની ખેતીનો આટલો મોટો જથ્થો ઝડપાતાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વાવેતર સામે પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. હવે આ કેસની વધુ તપાસમાં ગાંજાની ખેતીના નેટવર્ક અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે.