કાયમી પ્લાનિંગ આસિસ્ટન્ટની અનિયમિતતા અને અણઆવડતના કારણે અરજદારો ત્રાહિમામ; લોન પ્રક્રિયા અટવાતા મકાન નિર્માણના સપના રોળાયા.
પરમિશન વિના બાંધકામો શરૂ થતા નગરપાલિકાને પરમિશન ફી અને મકાન વેરાની લાખોની આવકનું સીધું નુકસાન.
કાલોલ નગરપાલિકા તંત્રની ઢીલી નીતિ અને વહીવટી અણઆવડતનો ભોગ હાલ શહેરના સામાન્ય નાગરિકો બની રહ્યા છે. નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાથી એક પણ નવી બાંધકામ પરમિશન (રજા ચિઠ્ઠી) આપવામાં આવી ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાલિકાની આ બેદરકારીના કારણે અંદાજે ૧૦૦ જેટલી બાંધકામ મંજૂરીની ફાઇલો પેન્ડિંગ પડી રહી છે, જેનાથી અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, નગરપાલિકામાં પ્લાનિંગ આસિસ્ટન્ટ તરીકે કાયમી કર્મચારીની નિમણૂક તો કરવામાં આવી છે, પરંતુ તેઓ ફરજ પર નિયમિત હાજર રહેતા નથી. આ ઉપરાંત, બાંધકામ પરમિશનની ટેકનિકલ પ્રક્રિયા બાબતે પણ તેઓ પૂરતી જાણકારી ધરાવતા ન હોવાની ચર્ચાઓ પાલિકા વર્તુળોમાં ચાલી રહી છે. જવાબદાર અધિકારીની ગેરહાજરી અને અણઆવડતના કારણે ફાઇલોનો નિકાલ થતો નથી અને અરજદારોને પાલિકા કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.
લોન ધારકો અટવાયા, પાલિકાને આવકમાં મોટો ફટકો : નગરપાલિકા દ્વારા સમયસર બાંધકામ પરમિશન ન મળવાના કારણે બેવડું નુકસાન થઈ રહ્યું છે. જે મધ્યમવર્ગીય પરિવારો બેંક લોન દ્વારા પોતાનું ઘર બનાવવા માંગે છે, તેમની લોન ફાઇલો રજા ચિઠ્ઠીના અભાવે બેંકોમાં અટવાઈ પડી છે. પરિણામે તેમના મકાનના બાંધકામ શ થઈ શકતા નથી. બીજી તરફ, જે લોકો લોન લીધા વિના બાંધકામ કરવા સક્ષમ છે, તેઓ પાલિકાની પરમિશનની રાહ જોયા વગર જ બાંધકામ શ કરી રહ્યા છે. આના કારણે નગરપાલિકાને બાંધકામ પરમિશન પેટે મળતી ફીની આવક ગુમાવવાનો વારો આવ્યો છે. તદુપરાંત, સત્તાવાર પરમિશન વિના બનતા આ મકાનોની આકારણી ન થતા ભવિષ્યમાં મળનારી મકાન વેરાની કાયમી આવક પણ પાલિકા ગુમાવી રહી છે.
એક તરફ સરકાર વિકાસના કામો અને પારદર્શક વહીવટની વાતો કરે છે, ત્યારે કાલોલ નગરપાલિકામાં ચાર-ચાર મહિનાથી અટકેલી આ કામગીરી તંત્રની નિષ્ક્રિયતા છતી કરે છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર આ ગંભીર બાબતને અગ્રિમતા આપી પેન્ડિંગ ફાઇલોનો ત્વરિત નિકાલ લાવે છે કે કેમ!