TDOની ઓફિસ સામે જ સ્વચ્છતાના ધજાગરા! ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓ ઝાડી-ઝાંખરા અને કરોળિયાનાં જાળાં વચ્ચે ઉપેક્ષિત

ઘોઘંબા: એક તરફ દેશભરમાં સ્વચ્છતા અભિયાન અને રાષ્ટ્રપ્રેમની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં જ સ્વચ્છતાના દાવાઓની પોલ ખૂલી રહી છે. તાલુકા વિકાસ અધિકારી (TDO)ની ઓફિસની સામે આવેલી ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓની આસપાસ ગંદકી, ઘાસ, પીપળાનાં છોડ અને કરોળિયાનાં જાળાં જોવા મળતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં આવેલી આ પ્રતિમાઓની લાંબા સમયથી યોગ્ય સાફસફાઈ અને જાળવણી કરવામાં આવી ન હોય તેવાં દૃશ્યો સામે આવ્યાં છે. પ્રતિમાઓ પર ધૂળ જામી છે, કરોળિયાનાં જાળાં લાગી ગયાં છે અને આસપાસ ઘાસ તથા પીપળાનાં છોડ ઊગી નીકળ્યાં છે. તાલુકાના વહીવટી તંત્રના મુખ્ય મથકમાં જ આવી સ્થિતિ જોવા મળતાં સ્વચ્છતાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તાલુકા પંચાયતના વિવિધ કાર્યક્રમો અને સભાઓમાં ભારત માતા કી જયના નારા ગુંજતા હોય છે, પરંતુ ભારત માતાની પ્રતિમા અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિત્વની પ્રતિમાઓની જાળવણીમાં બેદરકારી કેમ? માત્ર નારા લગાવવાથી રાષ્ટ્રપ્રેમ સાબિત થાય કે પછી રાષ્ટ્રપ્રતીકો અને મહાનુભાવોની પ્રતિમાઓનું સન્માન જાળવવાની જવાબદારી પણ નિભાવવી પડે તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.