
લોકોના વિવિધ પ્રશ્નો સાંભળી તેના ત્વરિત અને હકારાત્મક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને મંત્રીની સ્પષ્ટ સૂચના.
રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના ૧૨૯-ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના પ્રવાસ અંતર્ગત પી.એમ. મોડેલ સ્કૂલ, વાંગડ ખાતે નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ માટે ’જન સુનાવણી કાર્યક્રમ’ યોજવામાં આવ્યો હતો.
આ જન સુનાવણી કાર્યક્રમમાં વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહીને સ્થાનિક પ્રાથમિક સુવિધાઓ અને વિકાસલક્ષી કામો અંગે વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં મુખ્યત્વે પીવાના પાણીની સમસ્યા, સિંચાઈ અને વપરાશ માટે તળાવો ભરવા, શાળાઓમાં નવા ઓરડાઓનું નિર્માણ, નવા મંજૂર થયેલા આરોગ્ય કેન્દ્રોની કામગીરી, જમીન મહેસૂલને લગતા પ્રશ્નો તેમજ નવા રોડ-રસ્તા સહિતના પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે નાગરિકોની તમામ રજૂઆતોને ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક સાંભળી હતી. તેમણે ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓને આ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા અને મંજૂર થયેલા વિકાસ કામોની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે જરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, જીલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, પ્રાયોજના વહીવટદાર પ્રતીક જૈન સહિત સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.