ગરબાડા ખાતે બાલિકા પંચાયતની દીકરીઓના હસ્તે THR વિતરણ સાથે જાતિગત ભેદભાવ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જાતિગત ભેદભાવ દૂર કરી સમાજમાં સમાનતા અને પોષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર-૫ ખાતે બાલિકા પંચાયતની દીકરીઓની ઉપસ્થિતિમાં જાતિગત ભેદભાવ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં DHEW યોજના હેઠળના જેન્ડર સ્પેશિયાલિસ્ટ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર (OSC)ના કેસવર્કર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જાતિગત ભેદભાવના દુષ્પરિણામો, ભેદભાવ દૂર કરવાના ઉપાયો તેમજ સમાજમાં સમાનતા, સમાન અધિકાર અને સમાન તકોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

એ સાથે દીકરીઓને પોતાના પરિવાર અને સમાજમાં સમાનતાની ભાવના પ્રસરાવવા તથા ભેદભાવમુક્ત વાતાવરણના નિર્માણમાં સક્રિય ભાગીદારી નોંધાવવા પ્રેરિત કરવામાં આવી હતી.

કાર્યક્રમના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને બાલિકા પંચાયતની દીકરીઓના હસ્તે THR (ટેક હોમ રાશન)નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે THRના પોષણલક્ષી મહત્વ, તેના યોગ્ય ઉપયોગ અને તેનાથી મળતા આરોગ્યલક્ષી લાભો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

THR દ્વારા લાભાર્થીઓને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ બને છે. સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણમાં પણ તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, પોષણયુક્ત આહારના નિયમિત સેવન અંગે જાગૃતિ કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જાતિગત ભેદભાવ પ્રત્યે સામાજિક જાગૃતિ કેળવવા, સમાનતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા તેમજ આંગણવાડીના લાભાર્થીઓમાં પોષણ અંગે સમજ અને જાગૃતિ વધારવાનો હતો.