કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વાંગડ ખાતે જીલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બેઠક યોજાઈ

મંત્રીએ જીલ્લામાં ચાલી રહેલાં વિકાસકાર્યો, પૂર્ણ થયેલાં કામો અને આગામી આયોજનો અંગે અધિકારીઓ પાસેથી મેળવી વિગતો.

કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના ૧૨૯-ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ત્રણ દિવસીય પ્રવાસ અંતર્ગત પી.એમ. મોડેલ સ્કૂલ, વાંગડ ખાતે જીલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં દાહોદ જીલ્લામાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત જીલ્લામાં હાલ ચાલી રહેલા વિકાસકાર્યો, આગામી સમયમાં હાથ ધરાનારા આયોજનો તેમજ અત્યાર સુધીમાં પૂર્ણ કરવામાં આવેલા કામોની પ્રગતિ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.

બેઠક દરમિયાન વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે, વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને પ્રજાને સરકારી સેવાઓનો વધુ સારો લાભ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કામગીરી દરમિયાન આવતી મુશ્કેલીઓ અને તેના ઉકેલ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મંત્રીએ સંબંધિત અધિકારીઓને વિકાસકાર્યોમાં ગુણવત્તા જાળવવા, કામગીરીમાં ઝડપ લાવવા અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સંકલન સાથે કામગીરી કરવા જ‚રી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, જીલ્લા કલેક્ટર સુરભિ ગૌતમ, જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર પ્રતીક જૈન, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પલ્લવીબેન બારૈયા સહિત જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.