સંજેલી તાલુકાના સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં પાણી નહિ છોડતા રવિ પાક માટે પાણીની રાહ જોતા ખેડુતો

સંજેલી તાલુકાના કાળીયા ડોકી સિંચાઈ તળાવમાંથી ભમેલા ટીસાના મુવાડા સંજેલી, પ્રતાપપુરા, ચમારીયા ગામોમાં ખેડુતોને નહેર દ્વારા શિયાળુ પાક માટે પાણી આપવામાં આવે છે. વર્ષો જુની નહેરમાં ચારેકોર ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાઓ અને તેમાં પણ ઠેર ઠેર ગાબડાં પડી જવાના કારણે ખેડુતોના ખેતરોમાં પુરતા ૫્રમાણમાં પાણી પહોંચતા નથી. પાણીની ઓછી સપાટીને કારણે ખેડુતોના ખેતરોમાં પાણી મુકવા માટે સમયનો બગાડ કરવો પડે છે. છતાં પણ પુરતા પ્રમાણમાં ખેતરમાં પાણી પહોંચતુ નથી. જેથી શિયાળુ ૫ાક બગડી રહ્યો છે.

શિયાળુ ખેતીનો સમય થઈ ગયો છે. ખેડુતો દ્વારા ધઉં, મકાઈ, ચણા, એરંડીનુ વાવેતર કરી દેવાયુ છે. પરંતુ પાણી છોડવાના સમયે નાની સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કામગીરી હાથ ધરાઈ નથી. વર્ષો જુની નહેર ચારેબાજુથી તુટેલી હોવાથી તંત્ર દ્વારા ગત વર્ષ નહેરની મરામત અને મેન્ટેનન્સ કરવાને બદલે જેસીબીથી સફાઈની કામગીરી હાથ ધરાતા ખેડુતોમાં રોષ વ્યાપ્યો હતો. નહેર પરના ઝાડી-ઝાંખરા દુર કરાયા છે જેના કારણે નહેર ચારેબાજુથી તુટેલી જોવા મળે છે. જોકે નહેરની યોગ્ય સફાઈ પણ કરાતી નહિ હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે. કયાંક ઝાડી-ઝાંખરાના કારણે નહેર જોવા પણ મળતી નથી અને કયાંક તળિયામાં માટીના થર જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા આ વર્ષ નહેરની સફાઈ અને સમારકામની કામગીરી કરાઈ નથી. જેથી ખેડુતોને ચોમાસુ બાદ શિયાળુ પાક પણ બગડવાની ચિંતા સતાવી રહી છે.