
મંત્રીના આગમન પહેલાં જ અધિકારીઓ હરકતમાં ૧૨ કલાકમાં પાણિયા-કેશરપુર રોડનું પેચવર્ક પૂર્ણ કરી ખાડા છુપાવવાનો પ્રયાસ.
વર્ષોથી ખાડાઓથી પરેશાન પ્રજાની રજૂઆતોની અવગણના, મંત્રીના પ્રવાસની જાણ થતાં જ તંત્ર કેમ દોડ્યું?
લીમખેડા વિધાનસભા વિસ્તારના મોટી બાંડીબાર સહિતના વિસ્તારોમાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણકુમાર માળીના સંભવિત પ્રવાસને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પાણિયા-કેશરપુર રોડ ઉપર લાંબા સમયથી ઠેરઠેર ખાડાઓ પડેલા હતા. આ ખાડાઓને લઈને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમયસર સમારકામ કરવામાં આવ્યું નહોતું.
પરંતુ હવે મંત્રીના પ્રવાસ પહેલાં જ જાણે તંત્રને અચાનક પ્રજાની મુશ્કેલીઓ યાદ આવી હોય તેમ માત્ર ૧૨ કલાકના ટૂંકા ગાળામાં સમગ્ર રોડ ઉપર પેચવર્કની કામગીરી હાથ ધરી ખાડાઓ પૂરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ખાડા પૂર્યા સૌથી મોટો સવાલ એ છે કે, જ્યારે સામાન્ય નાગરિકો રસ્તાની ખરાબ હાલત અંગે રજૂઆતો કરતા હતા. ત્યારે જવાબદાર અધિકારીઓ ક્યાં હતા? શું અધિકારીઓની કામગીરી માત્ર મંત્રીઓના પ્રવાસ પૂરતી જ સક્રિય બને છે? શું સામાન્ય પ્રજાને સારી સડક પર ચાલવાનો અધિકાર નથી?
લાંબો સમય રોડની સમસ્યાનો સામનો કરતા સ્થાનિક લોકોમાં પણ ચર્ચા છે કે જો માત્ર ૧૨ કલાકમાં રોડનું પેચવર્ક થઈ શકતું હોય તો અત્યાર સુધી આ કામગીરી કેમ કરવામાં આવી નહોતી.
પ્રજાનો સીધો સવાલ છે કે, અધિકારીઓ પ્રજાની સુવિધા માટે કામ કરે છે કે પછી નેતાઓના આગમન પહેલાં દેખાડો કરવા માટે?
હવે જોવાનું એ રહેશે કે, મંત્રીના પ્રવાસ બાદ પણ રસ્તાની જાળવણી અને સમારકામની કામગીરી ચાલુ રહેશે કે પછી પ્રવાસ પૂર્ણ થતાં જ તંત્ર ફરી નિષ્ક્રિય બની જશે?