સંજેલી પ્રતાપપુરાની સરપંચ બેઠક ઓબીસી માટે અનમત રાખવા માંગ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ બેઠકના અનામત રોટેશન અને વોર્ડ રચનાને લઈને વિવાદ ઉભો થયો છે. ગ્રામજનોએ સરપંચની બેઠક બક્ષીપંચ(ઓબીસી)માટે અનામત રાખવા તેમજ સરપંચ અને વોર્ડ સભ્યોની રચના નિયમ મુજબ રોટેશન પદ્ધતિથી કરવા જિલ્લા કલેકટર અને મામલતદારને લેખિત રજુઆત કરી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ વોર્ડ નં.-૫માં અનુસુચિત જાતિ(એસ.સી)નો એકપણ મતદાર ન હોવા છતાં સતત બે ટર્મથી આ વોર્ડની બેઠક એસ.સી.માટે અનામત રાખવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક લાયક મતદારો ચુંટણીમાં ઉમેદવારો કરવાથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં વોર્ડ રચના અને મતદાર યાદી અંગે ગ્રામસભામા યોગ્ય જાળવણી આપવામાં આવતી નથી. તેમજ ઢંઢેરો પણ પીટવામાં આવતો ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. કેટલાક લોકોની મિલીભગતથી પોતાના પસંદગીના ઉમેદવારોને ફાયદો પહોંચાડવા મતદાર યાદી અને વોર્ડ રચનામાં ફેરફાર કરવામાં આવતા હોવાની પણ રજુઆત કરાઈ છે. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી મતદાર યાદીની ભુલો સુધારવા, પારદર્શક વોર્ડ રચના કરવા અને સરપંચ બેઠક ઓબીસી માટે અનામત રાખવા ચુંટણી તંત્ર યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી છે.