લુણાવાડામાં રહેતા એક માનસિક અસ્થિર યુવકની કણ અને હૃદયદ્રાવક ધટના સામે આવી છે. માતાનુ છત્ર ગુમાવ્યા બાદ પિતાએ પણ સાથ છોડી દેતા સમય જતાં તેની માનસિક સ્થિતિ બગડી હતી. તેઓ છેલ્લા ૪ વર્ષથી અત્યંત દયનીય હાલતમાં જીવન વિતાવી રહ્યા હતા. માનસિક અસ્થિરતાના કારણે તેઓ દિવસ-રાત રસ્તાઓ પર ભટકતા રહેતા હતા. અસ્તવ્યસ્ત કપડા, પગમાં ચંપલ વિના હાથમાં ડીશ લઈને ફરતા આ યુવક કયારેક રસ્તા પર પડેલો એંઠવાતો ખાતો તો કોઈનુ ખાવાનુ આપે નીચે પડી જાય તે ધોઈને ખાતા હતા. આમ તેમ ભટકતી વખતે તેઓ જોરથી બુમાબુમ કરતા હતા. કયારેક આસપાસના લોકોના ધરમાં ધુસી જતા હતા. આ યુવકની દયનીય સ્થિતિ જોઈ લુણાવાડાના સમાજ સેવિકા સોનલબેન પંડ્યા માત્ર દુ:ખ વ્યકત કરવાને બદલે તેમને સુરક્ષિત આશ્રય અપાવવા આગળ આવ્યા હતા. તેમણે જય અંબે મંદબુદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈનો સંપર્ક કર્યો હતો. ટ્રસ્ટીએ પણ સંવેદના દાખવી તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલી આપી હતી. યુવકની આંખોમાં લાચારી નહિ પણ ફરી નવુ જીવન જીવવાની આશા જાગે તે હેતુથી તેમને આશ્રમમાં મોકલાયા હતા.