પંચમહાલમાં ૭૭,૨૮૩ રેશનકાર્ડ ધારકો શંકાના દાયરામાં

પંચમહાલમાં રેશનકાર્ડ કે.વાય.સી. અને ક્રોસ વેરિફિકેશનમાં ૭૭,૨૮૩ શંકાસ્પદ કાર્ડના ૧.૦૯ લાખ સભ્યો મળી આવ્યા છે. ૭.૫ એકર જમીન, રૂ.૬ લાખથી વધુની આવક, જી.એસ.ટી., આવકવેરો કે સરકારી નોકરી છતાં અનાજ લેનારા રેશનકાર્ડ ધારકોને મામલતદારની નોટિસ અપાઈ રહી છે. યોગ્ય ખુલાસો નહિ થાય તો કાર્ડ રદ્દ થશે.

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા (એનએફએસએ)હેઠળ ૨,૫૯,૭૯૮ રેશનકાર્ડના ૧૨,૦૯,૪૧૮ રેશનકાર્ડ ધારકોને સરકાર મફત અને રાહત દરના અનાજ આપી રહ્યા છે. સરકાર દ્વારા રેશનકાર્ડનુ કે.વાય.સી.કર્યા બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. કેન્દ્ર સરકારની તપાસણીમાં હાલના રેશનકાર્ડ ધારકો સરકારી અનાજ પાત્રતા ધરાવતા હોય તેવા શંકાસ્પદ ૭૭,૨૮૩ રેશનકાર્ડ મળી આવ્યા છે. સરકારી રેકર્ડમાં ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા જિલ્લાના ૭૭,૨૮૩ રેશનકાર્ડના ૧,૦૯,૦૧૦ સભ્યો શંકાસ્પદ જણાઈ આવ્યા છે. તપાસમાં બહાર આવ્યુ છે કે, કાર્ડધારકો પાસે ૭.૫ એકર કરતા વધુ જમીનના જમીન માલિક, ૬ લાખ કરતા વધુની વાર્ષિક આવક, આવક વેરો ભરનારા, જી.એસ.ટી.વ્યવહારો ધરાવતા વેપારીઓ અને સરકારી નોકરી જેવી સદ્ધર આર્થિક સ્થિતિ ધરાવતા લોકો વર્ષોથી સરકારી અનાજ મેળવી રહ્યા છે. જિલ્લાના ૧.૦૯ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોને મામલતદાર દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. કાર્ડધારકોને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવશે. જો યોગ્ય ખુલાસો નહિ હોય તો રેશનકાર્ડ રદ્દ કરવામાં આવશે.