
સંતરામપુર શહેરના મુખ્ય માર્ગો પર વધતા જતા ગેરકાયદે દબાણો અને ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે આખરે સંતરામપુર નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યુ છે.
થોડા દિવસો અગાઉ પાલિકા દ્વારા મુખ્ય માર્ગો પરના વેપારીઓને ત્રણ દિવસમાં સ્વખર્ચે દબાણો દુર કરવા નોટિસ અપાઈ હતી. સમયમર્યાદા પુર્ણ થતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ અભિયાન હેઠળ ગોધરા ભાગોળ, બસ સ્ટેશન ચોકડી અને કોલેજ રોડ વિસ્તારમાં દુકાનો બહાર કરાયેલા નાના-મોટા દબાણો દુર કરવામાં આવ્યા હતા. તંત્રની આ કામગીરીને પગલે સ્થાનિક વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેમાં કેટલાક વેપારીઓએ આ કાર્યવાહીને આવકારી હતી. જયારે અમુક વેપારીઓમાં રોષ ફેલાયો હતો. શહેરમાં મુખ્ય માર્ગો પર ભરાતા હાટ બજાર, પથારા અને વાહનોના અતિક્રમણને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે જટીલ બની રહી છે. નાગરિકોનો આક્ષેપ છે કે, પાલિકા દ્વારા રસ્તા, ફુટપાથ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓની કામગીરીમાં માત્ર વેઠ ઉતારવામાં આવે છે. જેનાથી શહેરનો વિકાસ અટકયો છે. જાગૃત નાગરિકો અને વેપારીઓએ માંગ કરી છે કે, શહેરના અન્ય વિસ્તારોમાં પણ સમાન ધોરણે કાર્યવાહી કરી મકાનોના ૫ાકા દબાણો દુર કરે, મુખ્ય રસ્તાઓ પહોળા કરી ફુટપાથ અને ગટર લાઈન જેવી પ્રાથમિક સુવિધાથી સજજ કરે. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિવારણ માટે કાયમી અને યોગ્ય પગલા લેવામાં આવે.