સંખેડાના કૃષ્ણપુરા વસાહતના લોકોએ રસ્તાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા

સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતના લોકોએ રસ્તાની માંગણીને લઈને સુત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કૃષ્ણપુરા વસાહતના લોકોએ ગ્રામ પંચાયતની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

કૃષ્ણપુરા વસાહતના લોકોનો આક્ષેપ છે કે, છેલ્લા ૧૫ વર્ષથી ફળિયાને જોડતો મુખ્ય રસ્તો બનાવવામાં આવ્યો નથી. આરસીસી રસ્તો તુટી ગયો છે. તેમાંથી કપચી નીકળી ગઈ છે અને સાવરણીથી વાળીએ તો તેમાં રેતી, કપચી અને સિમેન્ટનો ઢગલો થાય છે. રસ્તો બનાવવા માટે વારંવાર તંત્રને રજુઆત કરી છે. જયારે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીને પણ રજુઆત કરી છે. ચુંટણીના સમયે દરેક નેતાઓ વોટ લેવા આવે છે પરંતુ ચુંટણી પતી જાય છે ત્યારે પાછુ વળીને કોઈ જોતા નથી. જેને લઈને તંત્ર સમક્ષ રજુઆત કરીને થાકી જતાં ગ્રામજનો ભેગા મળી સુત્રોચ્ચાર કરી અને નવો રસ્તો બનાવવા માંગ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ધારાસભ્ય તમામ ભાજપના નેતાઓ ચુંટાયેલા છે.આદિવાસી વિસ્તારના વિકાસની વાતો કરવામાં આવે છે ત્યારે આ ગામની મુલાકાત લઈને નેતાઓ અમારી વ્યથા સાંભળે, નહિ તો ગ્રામ પંચાયતની ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.