
ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા બે જાસૂસોને ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ અજયકુમાર અને રાશ્મિ પાલ ભારતની સુરક્ષાને ખતરામાં મૂકે તેવી ગંભીર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.એટીએસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ ગોવા અને દમણ વિસ્તારમાંથી સક્રિય હતા અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે સંપર્કમાં હતા.
આરોપીઓ ભારતીય સેનાની સંવેદનશીલ માહિતી આઇએસઆઇ સુધી પહોંચાડતા હતા. આ માહિતીમાં સૈનિકોની તહેનાતી, કેમ્પોની હિલચાલ, સુરક્ષા વ્યવસ્થા, તેમજ કેટલીક રણનીતિક બાબતો સામેલ હતી. તપાસમાં એટીએસને ખબર પડી છે કે રાશ્મિ પાલ નામની મહિલાએ ‘હનીટ્રેપ’ જેવી ટેકનિકનો ઉપયોગ કરી ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરી હતી. વિશ્ર્વાસ જીત્યા બાદ તે વિવિધ બહાનાઓથી મહત્વપૂર્ણ માહિતી મેળવતી અને પછી તે માહિતી તેના સાથીદાર અજયકુમાર મારફતે પાકિસ્તાન મોકલવામાં આવતી.
હનીટ્રેપની આ પદ્ધતિમાં મહિલાઓ સોશિયલ મિડિયા, કોલ અથવા ચેટ દ્વારા આર્મીના જવાનો સાથે સંપર્ક કરતી હતી, તેમને ભાવનાત્મક રીતે ફસાવે છે અને પછી સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. એટીએસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ જ રીતથી અનેક માહિતી એકઠી કરીને આઇએસઆઇને મોકલવામાં આવી હતી.
ગુજરાત એટીએસએ ગોવા અને દમણમાં ઓપરેશન ચલાવીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. ધરપકડ બાદ એટીએસએ તેમની પાસેથી મોબાઇલ,એસઆઇએમ કાર્ડ, ચેટ હિસ્ટ્રી અને અન્ય ડિજિટલ પુરાવા કબજે કર્યા છે. આ પુરાવાઓના આધારે વધુ લોકો પણ આ નેટવર્કમાં સામેલ હોઈ શકે છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડા કોર્ટમાં રજૂ કરતી વખતે એટીએસએ બંને આરોપીઓના રિમાન્ડની માંગણી કરી છે.એટીએસનું કહેવું છે કે આરોપીઓ સાથે વધુ પૂછપરછ જરૂરી છે, જેથી કઈ સ્તરે સુધી માહિતી લીક થઈ છે અને પાછળ કઈ મોટી ગેંગ અથવા આઇએસઆઇ હેન્ડલર છે તે જાણી શકાય. કોર્ટ એટીએસની અરજ પર નિર્ણય કરશે ત્યારબાદ વધુ તપાસ આગળ વધશે.
આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધા છે, કારણ કે દેશ સાથે જોડાયેલી માહિતી લીક થવી અત્યંત ગંભીર બાબત છે.એટીએસનું કહેવું છે કે આ કેસ માત્ર બે લોકો પૂરતો સીમિત નથી, પણ એક મોટા નેટવર્ક તરફ સંકેત આપે છે. હનીટ્રેપની પદ્ધતિ દ્વારા જવાનોને નિશાન બનાવવાનો આ કોઈ એકલો કેસ નથી, જેથી આગળના દિવસોમાં વધુ ધરપકડ પણ થઈ શકે છે.
ગુજરાત એટીએસ હવે ટેકનિકલ ટીમની મદદથી ચેટ, કૉલ રેકોર્ડ્સ અને ડિજિટલ ડેટાનો વિશ્લેષણ કરી રહી છે. તપાસ પૂરી થાય ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓ તમામ શક્ય દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. આ કેસમાં આગળ શું વળાંક આવશે અને જાસૂસીમાં સામેલ અન્ય લોકો કોણ છે તે જાણવા સમગ્ર રાજ્યની નજર એટીએસની તપાસ પર ટકેલી છે