“વિકાસની કચેરી કે દારૂની મહેફિલનો અડ્ડો ? ઘોઘંબા તાલુકા પંચાયતની અગાસી અને પટાંગણમાં બોટલો જોવા મળી !”

ક્વોટરિયાથી માંડી મોંઘીદાટ ઇમ્પોર્ટેડ દારૂની બોટલો મળી આવતાં અનેક સવાલો ઊભા થયા; તાલુકા વિકાસ અધિકારીનો બેજવાબદારીભર્યો જવાબ ચર્ચામાં

ઘોઘંબા તાલુકાનું સમગ્ર વહીવટી તંત્ર જ્યાંથી સંચાલિત થાય છે તે તાલુકા પંચાયત કચેરી જ હાલ વિવાદના ઘેરામાં આવી છે. તાલુકા પંચાયત કચેરીની અગાસી તેમજ પાછળના ભાગમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની અસંખ્ય ખાલી બોટલો, બિયરના ખાલી ટીન અને દારૂ પીવાના ગ્લાસ જ્યાં ત્યાં પડેલા જોવા મળતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

કચેરીના પટાંગણ અને પાછળના ભાગમાં જોવા મળતી આ બોટલોમાં સામાન્ય ક્વોટરિયાથી લઈને મોંઘીદાટ ઇમ્પોર્ટેડ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થતો હોવાનું જણાય છે. આટલી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં ક્યાંથી આવી? શું કચેરીના પરિસરમાં જ કોઈએ દારૂની મહેફિલ માણી હતી? જો એવું હોય તો સરકારી કચેરીના પરિસરમાં આવી પ્રવૃત્તિ કોણે અને કોની રહેમનજર હેઠળ કરી? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

  તાલુકા પંચાયત કચેરી એ માત્ર સરકારી કચેરી નથી, પરંતુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને વહીવટનું મહત્ત્વનું કેન્દ્ર છે. તાલુકાનાં ગામડાઓમાં વિકાસલક્ષી યોજનાઓનો અમલ, ગ્રામ પંચાયતોની કામગીરીની દેખરેખ અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તેની જવાબદારી પણ આ તંત્રની છે. ત્યારે આવી મહત્વપૂર્ણ કચેરીના પટાંગણમાં દારૂની ખાલી બોટલોનો ખડકલો જોવા મળવો એ કચેરીની સ્વચ્છતા, શિસ્ત અને વહીવટી જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

 આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવતાં તેમણે જવાબદારીપૂર્વક સ્પષ્ટતા કરવાને બદલે, ‘હું જવાબ આપવા બંધાયેલો નથી, મારી નવરાશમાં હું સફાઈ કરાવીશ’ તેવા સૂર વ્યક્ત કર્યા હોવાનું જાણવા મળે છે. એક જવાબદાર વહીવટી અધિકારી પાસેથી અપેક્ષિત જવાબદારી અને સ્પષ્ટતાના બદલે આવો જવાબ મળતાં લોકોમાં આશ્ચર્ય અને નારાજગી જોવા મળી રહી છે.

સવાલ એ છે કે સરકારી કચેરીના પરિસરમાં આટલી બધી દારૂની ખાલી બોટલો કોણે ફેંકી? કચેરીની સુરક્ષા અને દેખરેખની જવાબદારી કોની છે? શું આ અંગે કોઈ તપાસ કરવામાં આવશે કે પછી સફાઈ કરાવીને સમગ્ર મામલો દબાવી દેવામાં આવશે?

તાલુકામાં વિકાસનાં કામો, સરકારી યોજનાઓ અને વિવિધ કામોનાં બિલોની પ્રક્રિયા સહિત અનેક વહીવટી કામગીરી ચાલતી હોય છે. ત્યારે કચેરીના પટાંગણમાં જોવા મળતી આ બોટલોને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જોકે, દારૂની બોટલો અને વિકાસનાં કામોનાં બિલો વચ્ચે કોઈ સંબંધ હોવાનો પુરાવો હાલ સામે આવ્યો નથી. પરંતુ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે.

હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર બાબતની નોંધ લઈને તપાસના આદેશ આપે છે કે પછી તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં પડેલી બોટલોની જેમ આ સવાલો પણ કચરામાં ફેંકી દેવામાં આવશે?

કચેરીના પટાંગણમાં દારૂની ખાલી બોટલોનો ખડકલો અને જવાબદાર અધિકારીનું મૌન… ત્યારે પ્રજાનો સીધો સવાલ છે કે જો તાલુકાના વહીવટનું મુખ્ય મથક જ આવી સ્થિતિમાં હોય તો ગામડાંના વિકાસની હાલત કેવી હશે?