ઝાલોદ નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિની ઉજવણી મીઠાચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટીની માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ.

ઝાલોદ નગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજે ગાંધી જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ઝાલોદ નગરપાલિકા વિસ્તારના મીઠાચોક ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટીની માળા અર્પણ કરી પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ઉપસ્થિતોએ ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સાદગીના વિચારોને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમમાં ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપ શહેર પ્રમુખ તેમજ ભાજપ સંકલનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મહાત્મા ગાંધીજીના રાષ્ટ્રનિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાનને સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.