દક્ષિણ પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં આવેલા પોયલી ગામની પ્રા.શાળામાં હાલ ત્રણ શિક્ષકોની ધટના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. જેના કારણે ગ્રામજનો દ્વારા તાત્કાલિક ત્રણ શિક્ષકોની નિયુક્તિની માંગ કરી છે.
પોયલી પ્રા.શાળામાં હાલમાં ધો.-૧ થી ૫ ની શાળામાં અંદાજિત ૧૨૭ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં શાળાનો મહેકમ ૫ શિક્ષકોનુ હોવાનુ જાણવા મળ્યુ છે. જેની સામે હાલમાં શાળામાં ૨ જ શિક્ષકોથી ચલાવી રહી છે. પ્રાથમિક શિક્ષણથી કોઈ બાળક વંચિત ન રહે તેવા તંત્રના દાવાઓ વચ્ચે છેવાડાના વિસ્તારોની શાળાઓમાં શિક્ષકોની ધટ વાસ્તવિકતા ઉજાગર કરી રહી છે. શિક્ષણને લઈ સતત સજાગ રહેવાના તંત્રના દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલમાં બાળકોનુ શિક્ષણ બગડી રહ્યુ છે. પંચમહાલના શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી પ્રા.શાળામાં ધટતા ૩ શિક્ષકોની નિમણુંક કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.