
દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકા માંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રનું લાલ આંખ કરતી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. ઉચવાણ ગામે પાનમ નદીના પટમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર રેતી ખનન પર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની ટીમે દરોડો પાડીને મોટી કાર્યવાહી – હાથ ધરી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ગેરકાયદેસર રેતી ખનન સામે – સપાટો બોલાવતા ટાસ્ક ફોર્સની ટીમે સ્થળ પરથી ૨ હિટાચી મશીન,૧૧ હાઈવા ડમ્પર સહિતનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા આ તમામ વાહનો અને મશીનરીની કિંમત કરોડો પિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દરોડા બાદ તંત્ર દ્વારા પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જપ્ત કરવામાં આવેલા બંને હિટાચી મશીનને સ્થાનિક ગ્રામ પંચાયતની સુપ્રત કરવામાં આવ્યા છે.૧૧ હાઈવા ડમ્પરોને પીપલોદ ખાતે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. STFના આ વિશાળ દરોડા બાદ વિસ્તારના રેતી ખનન સાથે સંકળાયેલા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, લાંબા સમયથી ચાલી રહેલા આ ગેરકાયદેસર કારોબારને લઈને સ્થાનિક તંત્રની કામગીરી અને નિષ્ક્રિયતા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે સૌની નજર તપાસ પર મંડાયેલી છે કે, આ કથિત ગેરકાયદેસર ખનન નેટવર્ક પાછળ કયા મોટા માથાનો હાથ છે અને આગામી દિવસોમાં જવાબદારો સામે તંત્ર દ્વારા શું કડક પગલાં ભરવામાં આવે છે. પાનમ નદીના પટમાંથી કરોડોની કિંમતના ૨ હિટાચી અને ૧૧ ડમ્પર સાથે ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું