ધોધંબાના ચેલાવાડામાં ઓચિંતી ગ્રામસભા સામે સવાલો, મુખ્ય તલાટી ગેરહાજર રહેતા ગ્રામજનોમાં રોષ

ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે આજરોજ યોજાયેલી ઓચિંતી ગ્રામસભા વિવાદોના વમળમાં સપડાઈ હતી. ગ્રામસભામાં મુખ્ય તલાટી અતુલ કટારા ગેરહાજર રહ્યા હતા, જ્યારે તેમની જગ્યાએ નવા ભરતી થયેલા રેવન્યુ તલાટી હાજર રહ્યા હતા. જેને પગલે ગ્રામજનોએ ગામના વિકાસના કામો, સરકારી જમીન પરના દબાણ સહિતના અનેક પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, ગામના વિકાસના કામો માત્ર એક જ ફળિયામાં કરવામાં આવે છે, જ્યારે અન્ય ફળિયાઓ વિકાસના કામોથી વંચિત રહે છે. આ ઉપરાંત ગામમાં સરકારી જમીન પર થયેલા દબાણનો મુદ્દો પણ ગ્રામસભામાં ગરમાયો હતો. ગ્રામજનોએ દબાણ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ચેલાવાડા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાની ફરિયાદ અગાઉથી જ ઉઠી રહી છે. ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા આ અંગે તલાટી કમ મંત્રીને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

૨૬ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પણ મહિલા સરપંચના બદલે તેમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવતો હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારબાદ ગતરોજ મહિલા સરપંચ, તેમના પતિ અને તલાટી ડેપ્યુટી સરપંચના ઘરે પહોંચ્યા હતા અને રજૂઆત કેમ કરવામાં આવે છે તે બાબતે બોલાચાલી થઈ હોવાનો આક્ષેપ ડેપ્યુટી સરપંચ તરફથી કરવામાં આવ્યો છે. આ મામલે આડકતરી રીતે ધમકીભર્યા શબ્દોમાં વાત કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આજરોજની ગ્રામસભામાં મુખ્ય તલાટી અતુલ કટારા ગેરહાજર રહેતા તેમની જગ્યાએ નવા ભરતી થયેલા રેવન્યુ તલાટી હાજર રહ્યા હતા. ગ્રામજનોએ વિકાસના કામો અને દબાણના પ્રશ્નો અંગે રજૂઆતો કરતાં રેવન્યુ તલાટીએ સાદા કાગળ પર તેની નોંધ કરી હોવાનું જણાવાયું છે.

જોકે, ગ્રામસભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઈ જતા ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા હતા. ગ્રામસભા માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે યોજાઈ હતી કે કેમ તેવી ચર્ચા પણ ગ્રામસભા બાદ જોવા મળી હતી.

હવે સૌથી મોટો સવાલ એ છે કે, મુખ્ય તલાટીની ગેરહાજરીમાં યોજાયેલી આ ગ્રામસભામાં ગ્રામજનોએ કરેલી ઉગ્ર રજૂઆતોની સત્તાવાર નોંધ કરવામાં આવી છે કે નહીં? જો નોંધ કરવામાં આવી હોય તો આ રજૂઆતો તાલુકા અને જીલ્લા કક્ષાએ પહોંચશે કે પછી પંચાયત સ્તરે જ સમગ્ર મામલો દબાઈ જશે?

ચેલાવાડા ગ્રામસભાના મુદ્દે હવે વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે, તેના પર ગ્રામજનોની નજર છે.