છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા હેઠળ આવેલા સાધલી જુથ ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યો અને સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પર સવાલો ઉભા થયા છે.
સ્થાનિક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર પંચાયતની વાસ્તવિકતા દર્શાવતો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં યુવક અણ રાઠવાના જણાવ્યા મુજબ તેમણે ૧૫માં નાણાંપંચ, સ્વચ્છ ભારત મિશન, ગ્રામસભા અને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ થયેલા વિકાસ કાર્યો અને ખર્ચની વિગતો મેળવવા માટે તા.૧૧ ઓગસ્ટના રોજ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરતા સમયમર્યાદા વિતી જવા છતાં પંચાયત દ્વારા મોૈખિક કે લેખિત કોઈ માહિતી આપી નથી. પાંચ ગામનુ પ્રતિનિધિત્વ કરતી ગ્રામ પંચાયત કચેરીની હાલત બિસ્માર છે. પંચાયત ભવન અને શોૈચાલયની હાલત બદતર છે. બારીઓ તુટી ગઈ છે. નોટિસ બોર્ડ પર તલાટીની હાજરી અંગે કોઈ માહિતી દર્શાવી નથી. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા શોૈચાલયો અને પરીસરમાં ગંદકી તથા ઝાડી-ઝાંખરાનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે. ગોૈચર વિસ્તાર પાસે મુકવામાં આવેલા વીજળીના ટ્રાન્સ્ફોર્મર ફરતે કોઈ સુરક્ષા જાળી યોગ્ય ફેન્સિંગ કર્યુ નથી. પરિણામે પશુઓ અને સ્થાનિક લોકો માટે ગંભીર અકસ્માત સર્જાવવાની ભિતી સેવાઈ રહી છે. ગામમાં બિસ્માર રસ્તા અને સ્મશાન માર્ગ દુર્દશા તરફ જતાં મુખ્ય માર્ગો પરથી કપચી અને લોખંડના સળિયા બહાર આવી ગયા છે. છેલ્લા ૪૦ થી ૫૦ વર્ષથી ગ્રામજનો સ્મશાન જવા માટે કોતરડાવાળા કાચા અને જોખમી રસ્તાનો ઉપયોગ કરવા મજબુર બન્યા છે.