સુખસર મામલતદાર કચેરીમાં જાતિ અને મરણના દાખલા મેળવવા અરજી કરનારા અરજદારોને છેલ્લા કેટલાક મહિનાથી ધરમ ધકકા ખાવા પડતા હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે. અરજદારોના જણાવ્યા મુજબ ઓનલાઈન-ઓફલાઈન અરજી કર્યા બાદ બે થી ત્રણ મહિના વિતી ગયા હોવા છતાં દાખલા મળ્યા નથી. જરી પુરાવા રજુ કર્યા બાદ પણ નાની-નાની ભુલો બતાવીને અરજીઓ ૫રત કરી ફરીથી અરજી કરવાનુ કહેવામાં આવતુ હોવાનો આક્ષેપ છે.
જાતિના દાખલા સમયસર ન મળતા વિદ્યાર્થીઓના પ્રવેશ, શિષ્યવૃત્તિ અને નોકરી સંભવિત કામગીરી અટવાઈ છે. મરણના દાખલા વિના વારસાઈ , વિમા અને સરકારી સહાયના કામોમાં પણ વિલંબ થઈ રહ્યો હોવાનુ અરજદારો જણાવી રહ્યા છે. સ્ટાફની અછત અને કામગીરીમાં વિલંબને લઈને પણ સવાલો ઉઠ્યા છે. જુના અનુભવી કર્મચારીઓને દુર કર્યા બાદ કામગીરી ધીમી પડી હોવાનો આક્ષેપ કરાયો છે. કર્મચારીની નિમણુંક અંગે પણ કેટલાક આક્ષેપો થયા છે. જોકે તેની સ્વતંત્ર પૃષ્ટિ થઇ નથી. અરજદારોને ઉચ્ચ અધિકારીઓ પાસે નિષ્પક્ષ તપાસ કરી પેન્ડિંગ દાખલાઓનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી છે.