છોટાઉદેપુર નગરપાલિકાને પીવાના પાણીની તંગી ન પડે તે માટે સરકાર દ્વારા રૂ.૪ કરોડથી વધુના ખર્ચે ઓરસંગ નદી ઉપર ચેકડેમ બનાવવામાં આવ્યો છે.
ચેકડેમ બનાવ્યા બાદ છોટાઉદેપુર નગરપાલિકાને પીવાના પાણીની સમસ્યાથી રાહત મળી હતી. આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હોવા છતાં ઓરસંગ નદીમાં પાણી આવ્યા બાદ ચેકડેમમાં પાણી રોકી શકાય તે માટે જરૂરી દરવાજા સમયસર લગાવવામાં આવ્યા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઓરસંગ નદીમાં ચોમાસા દરમિયાન પાણી આવ્યુ ત્યારે ચેકડેમના આશરે ૬૦ જેટલા દરવાજા લગાવવાની કામગીરી પાલિકાના સત્તાધિશો દ્વારા સમયસર કરી નથી. હાલ ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે. ચેકડેમના દરવાજા ન લગાવાતા નદીમાં આવેલુ પાણી વહી ગયુ છે. છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધિશો ચેકડેમની જાળવણી તેમજ પાણી બચાવવા માટેની કામગીરીમાં નિષ્ફળ રહ્યા છે. ઓરસંગ નદી આ ચોમાસામાં બે વખત બે કાંઠે આવી હતી. પરંતુ જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હોવાથી હવે ઓરસંગ નદી ધીમે ધીમે સુકાઈ રહ્યુ છે. પાલિકાના સત્તાધિશો જણાવે છે કે, થોડા દિવસોમાં ચેકડેમના દરવાજા લગાવી દેવામાં આવશે પરંતુ હવે જયારે ચોમાસુ પુર્ણ થવાને આરે છે અને વરસાદ પણ જતો રહ્યો છે ત્યારે ચેકડેમના દરવાજા લગાવ્યા બાદ તેનો કેટલો ફાયદો થશે તેવો સવાલો ઉભો થયો છે. છોટાઉદેપુર નગરપાલિકાની હાલની વસ્તી આશરે ૪૫ હજાર જેટલી છે. ઉનાળાની ઋતુમાં શહેરમાં પીવાના પાણીની માંગ વધારો થાય છે. નગરપાલિકા નર્મદાના પાણી પર આધારિત થઈ જાય છે. જો નર્મદાના પાણીની પાઈપલાઈનમાં લીકેજ થાય અથવા પાણી પુરવઠામાં કોઈ સમસ્યા ઉભી થાય તો છોટાઉદેપુર નગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેવી સ્થિતિ છે.