સેવા પખવાડિયા અંતર્ગત કાલોલ તાલુકામાં આંગણવાડી સ્તરે સેવાકીય કાર્યક્રમોનો દોર યથાવત છે. જેના ભાગરૂપે કાલોલ-૨ ઘટક હેઠળ આવતા નાંદરખા ગામની આંગણવાડી કેન્દ્ર, સેજો: કરોલી ખાતે “આંગણ મિલન સેવા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ,નાયબ જીલ્લા વિકાસ અધિકારી (ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી, ઈંઈઉજ શાખા), નાંદરખા ગ્રુપ પંચાયતના સરપંચ, ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના મંત્રી તન્નાબેન, બાળ વિકાસ યોજના અધિકારી મોનિષાબેન પંચાલ અને કાલોલ-૨ ના મુખ્યસેવિકા કરોલી તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કાર્યક્રમ દરમિયાન મહેમાનોના હસ્તે ૧ થી ૩ વર્ષના તંદુરસ્ત બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી અન્ય વાલીઓ પણ બાળકોના પોષણ પ્રત્યે જાગૃત થાય. આ ઉપરાંત હાજર રહેલા તમામ બાળકોને સુખડી અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં આ પ્રસંગે ઉપસ્થિત કિશોરી, સગર્ભા અને ધાત્રી માતાઓને માનનીય મુખ્યમંત્રીનો સંદેશ પણ વિતરણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાંદરખા, રીંછીયા રાઠવા ફળીયા, રીંછીયા ડુંગર ફળીયા અને નાવાગામ આંગણવાડી કેન્દ્રના કાર્યકર, તેડાગર અને આશા બહેનોને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આંગણવાડી સ્ટાફની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવવામાં આવી હતી.