ટાવરમાંથી EXICOM કંપનીની છ બેટરી ચોરાઈ; ટેક્નિકલ તપાસમાં 5 ઓક્ટોબરની રાત્રે 11:54 વાગ્યે ચોરી થયાનું સામે આવ્યું
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી વિસ્તારમાં આવેલા જીઓ કંપનીના મોબાઇલ ટાવરમાંથી અજાણ્યા ચોર ઇસમો છ બેટરીની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરી થયેલી બેટરીઓની કુલ કિંમત રૂ. 60 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં રહેતા અને જીઓ કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે ફરજ બજાવતા ઉમેદસિંહ વિસુભા ગોહિલને દાહોદ જિલ્લાના ક્લસ્ટર મેનેજર સુમિતભાઈ મહેશ્વરીએ ટાવરમાંથી બેટરીઓ ચોરાઈ હોવાની જાણ કરી હતી. ત્યારબાદ કંપનીના ZABBIX સોફ્ટવેરમાં તપાસ કરતાં પાવડી ખાતેના ટાવર આઈડી I-GJ-JHLD-ENB-9006 પરથી તા. 5 ઓક્ટોબર, 2026ની રાત્રે 11:54 વાગ્યે બેટરીઓ કાઢી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ચોરાયેલી બેટરીઓમાં EXICOM કંપનીની 75AH મોડલની બે અને 100AH મોડલની ચાર બેટરીનો સમાવેશ થાય છે. એક બેટરીની કિંમત રૂ. 10 હજાર લેખે કુલ રૂ. 60 હજારની મત્તાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે એસ્ટેટ મેનેજરે કંપનીના ક્લસ્ટર મેનેજર સાથે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કાયદેસરની તપાસની માંગ કરી છે.