કાલોલના કાતોલ ગામે અનુસૂચિત જાતિના ખેડૂતની જમીન પર સેટકો ઓટો કંપનીનો ગેરકાયદે કબ્જો, પ્રતિક ઉપવાસ ના કરે તે માટે મંડપ તોડી નાખવા અંગે  ફરિયાદ

કાલોલ તાલુકાના કાતોલ ગામે આવેલી સેટકો ઓટો સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (Setco Auto Systems Pvt. Ltd.) કંપની દ્વારા અનુસૂચિત જાતિના ખેડૂતની સરકારી હુકમથી મળેલી જમીન પર કથિત રીતે ગેરકાયદેસર કબ્જો જમાવી દેવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ન્યાય મેળવવા માટે પ્રતિક ઉપવાસ પર બેસવા ગયેલા ખેડૂતનો મંડપ તોડી નાખવામાં આવતા મામલો વધુ ગરમાયો છે અને આ અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવી છે.કાલોલ તાલુકાના કાતોલ ગામના રહીશ અને અનુસૂચિત જાતિના ખેડૂત વિજયભાઈ છગનભાઈ વણકરને મોજે-કાતોલના રેવન્યુ સર્વે નંબર ૩૫ વાળી જમીન મામલતદારશ્રી કાલોલ દ્વારા ખેતી કરવા માટે તા. ૦૭/૦૬/૨૦૨૧ ના રોજ અધિકૃત રીતે એનાયત કરવામાં આવી હતી.

સરકારી હુકમ હોવા છતાં આ જમીન પર વર્ષોથી સેટકો ઓટો સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને ભોગવટો કરવામાં આવી રહ્યો છે. પીડિત ખેડૂતે અગાઉ તા. ૧૬/૦૯/૨૦૨૬ ના રોજ નોટિસ આપીને તથા તા. ૨૩/૦૯/૨૦૨૬ ના રોજ મામલતદાર, કલેક્ટર તેમજ કંપનીને રજીસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા જાણ કરવા છતાં કંપની તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો.મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સર્કલ મામલતદારે સેટકો કંપનીની સ્થળ મુલાકાત લીધી હતી.જે બાદ કંપની દ્વારા રજીસ્ટર એડી થી જવાબ રજૂ કરી કાલોલ મામલતદારે જે હુકમને આધારે અરજદારને જમીનની ફાળવણી કરી છે તે હુકમની પોતાને જાણ નથી તેવુ બતાવ્યુ છે અને 30 વર્ષથી આ જમીનની બહાર કંપનીનો ગેટ છે તેઓ બચાવ કર્યો છે.

ખેડૂત જ્યારે પોતાની જમીન જોવા ગયા ત્યારે સિક્યુરિટી કર્મચારીઓએ તેમને ગેટ પરથી જ પરત મોકલી દીધા હતા

શાંતિપૂર્ણ રીતે ન્યાય મેળવવા માટે અને પ્રતિક ઉપવાસની તૈયારી રૂપે ખેડૂત દ્વારા તા. ૨૫/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ પોતાની જમીન પર મંડપ બાંધવામાં આવ્યો હતો.તે સમયે કંપનીના સિક્યુરિટી ગાર્ડે આરોપી અંજુલા મેડમ સાથે ફોન પર વાત કરાવી હતી, જ્યાં મંડપ ન બાંધવા અને કંપનીના શેઠ હરીશભાઈ સાથે મુલાકાત કરી નિકાલ કરવાનું જણાવ્યું હતું, પરંતુ ખેડૂતે મંડપ ઉતારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.સવારે જઈને જોતા મંડપ ત્યાંથી ગાયબ હતો અને તપાસ કરતાં તે નદીના કોતેડામાં ફાટેલી હાલતમાં ફેંકી દીધેલો જોવા મળ્યો હતો.તથા ઉપવાસના સ્થળે ગેરકાયદેસર પાર્કિંગ કરી દેવામાં આવ્યું હતુ.

આ ઘટના બાદ પીડિત વિજયભાઈ વણકરે સેટકો ઓટો સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ અને અંજુલા મેડમ વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે, જેની નકલ ડી.એસ.પી. પંચમહાલ-ગોધરાને પણ મોકલી આપવામાં આવી છે. અરજદારે આક્ષેપ કરી જણાવ્યુ છે કે લેન્ડ ગ્રેબિંગ ની મુદતમાં કંપનીના વકીલે આ મુદ્દે સમાધાન કરાવી આપીશ તેના બદલામાં રૂપિયા 25 લાખની માંગણી કરતો હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બેન કેપિટલ (Bain Capital) સમર્થિત આરએસબી ટ્રાન્સમિશન્સ (RSB Transmissions) દ્વારા ‘સેટકો ઓટો સિસ્ટમ્સ’ કંપનીનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે.