ઘોઘંબા તાલુકાના મૂળાની કાપડી ગામે દીપડાનો આતંક, ચાર બકરાંનો શિકાર

રહેણાક મકાનમાં ઘૂસેલા દીપડાએ પશુધનને બનાવ્યું નિશાન, ગ્રામજનોમાં ભયનો માહોલ; વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

મૂળાની કાપડી, ઘોઘંબા, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના મૂળાની કાપડી ગામે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામના બારિયા લલીતાબેન અર્જુનભાઈના રહેણાક મકાનમાં ઘૂસી આવેલા દીપડાએ ચાર બકરાંનો શિકાર કરતાં પશુપાલકને મોટું નુકસાન થયું છે.

રહેણાક મકાનમાં જ દીપડો ઘૂસી આવતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં પોતાના જીવ અને પશુધનની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. દીપડો રહેણાક વિસ્તાર સુધી પહોંચી રહ્યો હોવાના કારણે રાત્રિના સમયે લોકોમાં વધુ ભય જોવા મળી રહ્યો છે.

વન વિભાગ તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ

મૂળાની કાપડી ગામમાં બનેલી આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી દીપડાની અવરજવર અંગે માહિતી મેળવવામાં આવે અને તેની હાજરીને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

દીપડાના કારણે ભવિષ્યમાં કોઈ માનવજીવન જોખમમાં ન મુકાય અને પશુપાલકોને વધુ નુકસાન સહન ન કરવું પડે તે માટે વન વિભાગ સક્રિય બની યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની અપેક્ષા છે.