દાહોદ જિલ્લાના લિમખેડામાં પત્રકારની દાદાગીરી: FPS દુકાને અનાજ ઉતારતા ડ્રાઇવરને ધમકાવી વાહન ગોડાઉન પરત મોકલ્યું

દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકામાં સરકારી અનાજના વિતરણ દરમિયાન એક કથિત પત્રકાર દ્વારા રોફ જમાવી વાહનચાલકને ધાક-ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્રકારે અનાજનો જથ્થો દુકાને ઉતરતો અટકાવી વાહન પરત સરકારી અનાજ ગોડાઉન ખાતે મોકલી આપતા ચકચાર મચી જવા પામી છે.ઘટનાની મળતી વિગતો અનુસાર, પાણિયા ગામના રહીશ અને મન્સુરી ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મફત સીદિકભાઈ ઈસ્માઈલભાઈ પોતાના વાહન નંબર GJ23Y6564 માં ગેટપાસ અને ડિલિવરી ચલણ મુજબ સરકારી અનાજનો જથ્થો ભરીને લીમખેડા ગોડાઉનથી ઢઢેલા ખાતે આવેલી શ્રી રીતેશકુમાર દેવેન્દ્રકુમારની એફ.પી.એસ. (FPS) દુકાને પહોંચ્યા હતા.સવારે આશરે ૧૧:૦૦ વાગ્યે ગોડાઉનથી નીકળી દુકાને પહોંચ્યા બાદ ડ્રાઇવરે અનાજનો જથ્થો ખાલી કરવાનું શરૂ કર્યું હતું. આશરે ૧૨ થી ૧૫ કટ્ટા (કોથળા) ઉતાર્યા હતા, તે જ સમયે ત્યાં એક પત્રકાર આવી પહોંચ્યો હતો. તેણે પોતે “સરકારી પત્રકાર” હોવાની ઓળખ આપી ડ્રાઇવરને ધાક-ધમકી આપી હતી. ત્યારબાદ તેણે અનાજના જથ્થાનું તોલમાપ કરાવ્યું હતું અને દુકાને ઉતારેલો જથ્થો પણ બળજબરીથી ફરી વાહનમાં ભરાવી દીધો હતો.પત્રકારના દબાણ અને ધમકીને કારણે ડ્રાઇવર અનાજ ભરેલું વાહન પરત લીમખેડા સરકારી અનાજ ગોડાઉન ખાતે લઈ જવા મજબૂર બન્યો હતો. આ અંગે ડ્રાઇવરે લીમખેડા ગોડાઉન મેનેજર સમક્ષ રજૂઆત કરી પોતાનો લેખિત જવાબ નોંધાવ્યો છે.આ ઘટનાને પગલે સરકારી અનાજ વિતરણ વ્યવસ્થામાં બિન-અધિકૃત વ્યક્તિઓ અને કથિત પત્રકારોની દાદાગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.