
લોકકલા ભવાઈના માધ્યમથી લોકોને રોગનાં લક્ષણો, સારવાર અને બચાવ અંગે અપાઈ સમજ.
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત, જીલ્લા મલેરિયા અધિકારી અતીત ડામોરના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.તુષારભાઈ ભાભોર ના અધ્યક્ષસ્થાને તાલુકામાં ભરાતા હાટ બજાર અને બસ સ્ટેશન વિસ્તાર મા લોકજાગૃતિના હેતુથી ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ‘જય મહાકાલી મા ભવાઈ કલા મંડળ’ના મુળજીભાઈ બારોટ તથા તેમના સાથી કલાકારોએ ભવાઈ નાટક દ્વારા મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. લોકકલા દ્વારા સ્વચ્છતાનું મહત્ત્વ, રોગોનાં લક્ષણો, રોગોથી બચવાના ઉપાયો અને સમયસર નિદાન તથા સારવાર અંગે લોકોને સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા તથા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જરી પગલાં લેવા અંગે પણ ભવાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલાકારોએ નાટક અને સૂત્રોચ્ચાર દ્વારા હાટ બજાર અને બસ સ્ટેશન માં ઉપસ્થિત લોકોને રોગો સામે જાગૃત કર્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા અને ડેન્ગ્યુ અંગેની જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શુક્રમભાઈ સંગાડા,તાલુકા મેલેરિયા સુપરવાઈઝર અખિલેશ ડામોર, ખાવૂ સંજયભાઈ પાંડોર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકકલા દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી આરોગ્યલક્ષી માહિતી પહોંચાડવાનો, રોગો અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો તથા સમયસર તપાસ અને સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો હતો.